સ્કૂલમાં પરીક્ષા સમયે અચાનક ઢળી પડ્યા બાદ મોતને ભેટેલા રાજકોટના મુદિતના મોત બાદ સામે આવ્યો રીપોર્ટ, જાણો શા કારણે થયુ મોત
Rajkot Heart Attack News : ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવે છે ત્યારે હાલમાં જ રાજકોટમાંથી એક મોતનો મામલો સામે આવ્યો હતો, જેમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધોરણ 12નો એક વિદ્યાર્થી ચક્કર ખાઇને બેભાન થઈ ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. મૃતકનું નામ મુદિત નડિયાપરા હતુ અને તે માત્ર 17 વર્ષનો જ હતો. જો કે, નાનકડી ઉંમરમાં જ પુત્રના મોત બાદ પિતા સહિત પરિવાર પર તો દુખોનો પહાડ તૂટી પડ્યો હતો.
17 વર્ષિય મુદિતના મોત બાદ સામે આવ્યો રીપોર્ટ
મુદિતને માત્ર સામાન્ય શરદીની તકલીફ હતી અને પાંચ પિરિયડ પૂરા થયા બાદ રિસેસ હતી અને પછી તે પરીક્ષા આપવા ક્લાસમાં બેઠો ત્યારે અચાનક ચક્કર ખાઇ ઢળી પડ્યો. પછી તેને CPR પણ આપવામાં આવ્યો અને 108ને પણ જાણ કરાઇ. જો કે, 108 આવ્યા બાદ તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. જો કે, હવે આ મામલે ડોક્ટરોના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મુદીતનું મોત હાર્ટમાં ખામીના કારણે થયું છે.
રીપોર્ટમાં સામે આવી ચોંકાવનારી વાત
હાર્ટની એક દીવાલ પાતળી અને બીજી દીવાલ જાડી હોવાની પણ વાત રીપોર્ટમાં જણાવવામાં આવી રહી છે. ડોક્ટરોએ આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવ્યો. જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા રાજકોટના રીબડા ગામે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અચાનક ઢળી પડ્યા બાદ મોત થયું હતું. આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતુ કે વિદ્યાર્થીને નાનપણથી હાર્ટનો ભાર વધવાની બીમારી હતી અને હૃદય વધુ ભારવાળું થયું હતું, જેના કારણે તેનું મોત થયું હતું.