રાજકોટ : સ્કૂલના આચાર્યએ ફી રોકડેથી આપવાનું કહી પરિક્ષામાં ન બેસવા દીધો તો વિદ્યાર્થીએ પિતાને કહ્યુ- ‘કૂવામાં પડી આપઘાત કરવા જાઉ છું’

ગુજરાતમાંથી છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થવાની બીકે, તો ઘણા વિદ્યાર્થીઓ પેપર સારા ન ગયા હોવાની બીકે તો ઘણા વિદ્યાર્થીઓ શિક્ષક કે માતા-પિતાના કંઇક કહી દેવાના કારણે આપઘાત કરી લેતા હોય છે. ઘણીવાર તો શાળાની દાદાગીરી પણ સામે આવતી હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં રાજકોટ નજીક આવેલ સાતડા ગામમાં આવેલી સરદાર સ્કૂલમાં 8માં ઘોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ફી બાકી હોવાના કારણે તેને લઇ આવવા કહ્યુ અને ત્યારે તેના પિતાએ તેને 16 હજાર રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

22 તારીખના રોજ વિદ્યાર્થી આ ચેક લઇને પહોંચ્યો અને તે સમયે જ ગણિતની પરીક્ષા હતી. આ દરમિયાન સ્કૂલ સંચાલકે ચેક સ્વીકારવાની ના કહેતા રોકડ લઇ આવવા કહ્યુ હતુ. તેમણે વિદ્યાર્થીને પરીક્ષા પણ આપવા ન દીધી. આ બાબતને લઇને વિદ્યાર્થી નિરાશ થઇ ગયો હતો અને તે ગામની એક દુકાને પહોંચ્યો અને દુકાનદાર પાસેથી મોબાઈલ લઈ પિતા અનુભાઇને ફોન કર્યો હતો. અનુભાઈ તે દિવસે હોસ્પિટલના કામથી ગયા હતા. તેઓ ગામમાં ન હતા તેથી ફોન પર પુત્રએ રોકડાની વાત કરતા બીજા દિવસે રોકડા લઈને સાથે જઇશું તેમ અનુભાઈએ કહ્યું હતું

પણ પુત્રને લાગી આવતા તેણે તેના પિતાને કહ્યુ કે, ‘હું કૂવામાં પડી આપઘાત કરવા જાઉ છું’. આ આવી વાત પુત્રના મોઢે સાંભળતા જ અનુભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે જે દુકાનદાર પાસેથી પુત્રએ ફોન કર્યો હતો તે જ દુકાનદારને ફોન કરી ત્યાં જ ધ્રુવને બેસાડી રાખવા કહ્યું હતું. દુકાનદારે બાળકને આપઘાત કરવા ક્યાંય જવા દીધો નહિ અને ત્યાં જ બેસાડ્યો અને ત્યાં સુધીમાં અનુભાઈ પહોંચી ગયા હતા. સાતડા ગામના આ વિદ્યાર્થીનો ઓડિયો પણ વાયરલ થયો હતો.

પ્રતિકાત્મક તસવીર

ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત થતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. આર. સરડવાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘બપોર બાદ અમારી કચેરીએ રજૂઆત આવી હતી તેથી તાત્કાલિકના ધોરણે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસ સોંપી છે. ઉલ્લેખનીય છે કે, ચેક સ્વરૂપે ફી સંચાલકે સ્વીકારવાની હોય છે અને તેઓ ના ન પાડી શકે. વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દેવી એ વર્તન અયોગ્ય છે. એક સપ્તાહમાં આ અંગેની તપાસ પૂરી કરી અહેવાલ આપવા સૂચના અપાઈ છે.’

Shah Jina