ક્રિકેટ રમતા રમતા જીંદગીની ઇનિંગ પૂરી થઇ ગઈ….હાર્ટ ફેલ- જો જો તમે આવી ભૂલ કોઈ દિવસ ન કરતા….
જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં હોય છે, છતાં પણ ઘણા લોકો એવા હોય છે જેમનો પોતાની જ બેદરકારીના કારણે જીવ ચાલ્યો જતો હોય છે. હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં એક યુવકનો જીવ ક્રિકેટ રમતા રમતા બોલ વાગવાના કારણે ચાલ્યો ગયો. આ ઘટના સામે આવી છે રાજકોટના રેસકોર્સ મેદાનમાંથી. જ્યાં યુવકે બોલ વાગવા છતાં બેદરકારી દાખવી અને આખરે તેનું મોત થયું.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતો રવિ વેગડા નામનો યુવક રવિવારના રોજ તેના કેટલાક મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમવા માટે ગયો હતો. જ્યાં તે બેટિંગ કરી રહ્યો હતો અને તેને બોલ વાગતા જ તે ઘાયલ પણ થયો હતો. છતાં પણ તેણે બેદરકારી દાખવી અને શ્વાસ ચઢતા જ હોસ્પિટલ જવાના બદલે રમવાનું ચાલ્યું રાખ્યું.
તેને રનર પણ રાખ્યો હતો અને બેટિંગ કરતા તેને 22 રન પણ બનાવ્યા હતા. જેના બાદ તે આઉટ થયો અને ટીમના સભ્યો સાથે જઈને બેસી ગયો. આ દરમિયાન તેને છાતીમાં સહેજ દુઃખાવો ઉપડતા બાજુમાં પાર્ક કરેલી પોતાની કારમાં જઈને બેસી ગયો અને ત્યાં બેઠા બેઠા તે મેચનો આનંદ માણતો હતો. ત્યારે જ અચાનક તે બેભાન થઇ ગયો અને પડ્યો. જેને જોઈને તેના મિત્રો મેચ અટકાવી તેની પાસે દોડી ગયા હતા.
તેને છાતીમાં પમ્પીંગ પણ કરવામાં આવ્યું, પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. રવિ મોબાઈલ કવરનો વેપાર કરતો હતો અને તેને બે સંતાનો પણ હતા. ત્યારે ક્રિકેટ રમતા સમયે સામાન્ય બેદરકારી દાખવવી રવિ વેગડા માટે જીવલેણ સાબિત થઇ.