સસરા 10 લાખ માગે છે, છેલ્લા રામ રામ’ વીડિયો બનાવી પતિએ જિંદગી ટૂંકાવી, દર્દનાક વીડિયો વાયરલ 

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ તો કેટલીકવાર માનસિક કે શારીરિક હેરાનગતિ હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં યુવરાજનગરમાં એક સપ્તાહ પહેલા સંતાન પ્રાપ્તિ ન થતા પત્નીએ આપઘાત કરી લીધો અને તે પછી પત્નીના વિયોગમાં પતિએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ. જો કે, આપઘાત પહેલા મૃતક યુવકે વીડિયો બનાવ્યો હતો અને તેમાં તેણે સાસરિયાઓ સમાધાન માટે 10 લાખ માગતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના આજીડેમ ચોક પાસે યુવરાજનગરમાં રહેતાં 30 વર્ષિય અનિલ ડાભીએ ગઈકાલે મોડી રાત્રે ઘરે લાકડાની આડીમાં સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેમણે પથારીમાં ઓશિકા મૂકી ચાદર ઢાંકી દીધી હતી. જ્યારે માતાએ ઉઠીને જોયુ તો દીકરો જોવા ન મળ્યો અને પછી બહાર જોયુ તો પુત્રની લાશ લટકી રહી હતી. આ દ્રશ્ય જોયા બાદ માતાના આક્રંદને કારણે લોકો એકઠા થઈ ગયા અને યુવકને નીચે ઉતારી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો.

પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદથી પરિવારમાં ગમગીની છવાઈ છે. ઉલ્લેખનીય છે કે, મૃતક અનિલે આપઘાત પહેલા બે વીડિયો બનાવ્યા હતા. વીડિયોમાં અનિલ રડતો અને ડુસકા ભરતો નજરે પડી રહ્યો છે. અનિલે કહ્યુ- હું કાજલ પાસે જાઉં છું, મને તેના વગર નથી ગમતું, કાલાવડમાં રહેતા મારા સાસરિયાઓને સમજાવજો.

મારા ભાઈ, કાકા મારા અગ્નિસંસ્કાર કરજો અને મારા અસ્થિ રાખજો, મારા અને કાજલના બંનેના અસ્થિ દામોદર કુંડમાં પધરાવજો. આગળ અનિલે કહ્યુ- બધા હળીમળીને ભેગા રહેજો, હું આટલું કહું છું, કાંઈ ઉપાધી ન કરતા. 15 વર્ષથી મારા બા ભેગો છું, બાપા તમે બધા ભેગા રહેજો. ભાઈબંધોને કહું છું કે હું કાજલની યાદમાં જાઉં છું. મારી બા અને બધાનું ધ્યાન રાખજો. ભાઈ બધાનું ધ્યાન રાખજે. મારી પાસે કાંઈ છે નહીં અને મારા સસરા 10 લાખ માગે છે. મારી કાજલ જતી રહી, જય માતાજી ભાઈ…જય માતાજી, બધાને રામ રામ…’

આ ઉપરાંત આગળ અનિલે કહ્યુ- મારી કાજલ જતી રહી, મને ટેન્શન રહે છે. મારી બાનું ધ્યાન રાખજો, સારું હાલો જય માતાજી…હવે મને મારી કાજલ મળી જશે.’ જણાવી દઇએ કે, ઘટનાની જાણ થતા પોલિસ કાફલો દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યુ છે કે અનિલના લગ્ન 4 વર્ષ પહેલા કાલાવડના મુરિલા ગામની કાજલ સાથે થયા હતા. જોકે, સંતાન પ્રાપ્તી ન થતાં કાજલે એક સપ્તાહ પહેલા જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને હવે પત્નીના વિયોગમાં અનિલે પણ આપઘાત કરી લીધો. પોલીસે હાલ તો વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina