ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઇ હોય તેવું લાગી રહ્યુ છે. અવાર નવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતો હોય છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આચરવામાં આવેલા તોડકાંડના પડઘા હજી તો શમ્યા નથી ત્યાં હવે દારૂકાંડ સામે આવ્યો છે. 75 લાખના કથિત તોડકાંડ મામલે સમગ્ર રાજ્યમાં બદનામ થયેલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ફરી વિવાદમાં આવી છે. રાજકોટમાં હાલ દારૂકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI, 3 હેડ કોન્સ્ટેબલ અને 1 પોલિસ કોન્સ્ટેબલને DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલિસમાં આ કાર્યવાહીને પગલે ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ 80કિમી દૂર સાયલાથી દારૂ ભરેલ ટ્રકનું અપહરણ કરી લઇ જાય છે, પરંતુ જેવો વહીવટ થવા જાય કે સ્ટેટ મોનિટરિંગ સેલ રંગેહાથ ઝડપી પર્દાફાશ કરે છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલિસ કમિશનર ખુરશીદ અહેમદે તપાસના આદેશ આપ્યા અને ક્રાઇમ બ્રાંચના DCPને તપાસ સોંપાઇ હતા. ત્યારે સુરેન્દ્રનગરના સાયલામાંથી દારૂ ઝડપાવવાને મામલો મહિલા PSI સહિત 3 હેડ કોન્સ્ટેબલ, 1 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
જણાવી દઇએ કે, જે પોલિસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં PSI ભાવના કડછા, દેવા દરજીયા, ક્રિપાલસિંહ, સુભાષ ઘોઘારી અને ઉપેન્દ્રસિંહ સામેલ છે. સુરેન્દ્રનગરમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે 394 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી લીધો હતો. દારૂ ભરેલ ટ્રક સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના માણસો અપહરણ કરી લઇ જતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ત્રણ હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલ મળી ચાર સામે અપહરણની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, PSI ભાવના સહિત ચાર પોલિસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે દારૂના ટ્રકનું પાયલોટિંગ કરતા રાજકોટ સીટી પોલિસ ફરી એકવાર વિવાદમાં આવી છે. જણાવી દઇએ કે, થોડા મહિના પહેલા કમિશન કાંડમાં સંડોવાયેલા તત્કાલિન PI વિરલ ગઢવી, PSI સાખરા તેમજ રાઇટર યોગીભાઇને સહિતનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે વધુ 5 પોલિસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.