ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી ઘણા લોકો આપઘાત કરી ચૂક્યા છે, ત્યારે હાલમાં વધુ એક આવી ઘટના બની હતી. રાજકોટના કોઠારિયા ગામે શિવમ પાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટરે રેસકોર્સ બાલભવનના ગેટ પાસે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા વ્યાજખોરોનો આતંકના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું.

પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં મૃતકે અગાઉ લીધેલા રૂપિયા વ્યાજ સહિત ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજખોરો તેને હેરાન કરતા હોવાનો આરોપ હતો, જેને કારણે તેણે આખરે કંટાળીને મોતને વ્હાલું કર્યુ. તેની પાસેથી જે સુસાઈડ નોટ મળી તેમાં 10 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ હતો. તેણે સુસાઇડ નોટમાં આશા વ્યક્ત કરી કે તેના મોત બાદ તેને ન્યાયતંત્ર ન્યાય અપાવશે.

આ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે 10 વ્યાજખોર સામે ગુનો નોંધ્યો હતો અને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જો કે ઘટનાના 12 દિવસ બાદ પણ પાંચ શખસને પોલીસ પકડી શકી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકે ઘટનાની રાત્રે પરિવારને વોટ્સએપમાં એક વીડિયો મોકલ્યો હતો. જેમાં તેણે કહ્યું હતુ કે મારી બધી બહેનોને જય માતાજી, આ મારો છેલ્લો વીડિયો છે, સુખી રહેજો.

અલ્પેશભાઈએ બાલભવનના શૌચાલય નજીક ઝેરી પાવડર ખાઈ લીધો હતો. જો કે તાત્કાલિક તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ તેણે વહેલી સવારે દમ તોડી દીધો. પ્રદ્યુમન પોલિસે વ્યાજખોરી મામલે પંકજ ધોકિયા, યોગેશ પંડયા, ખીમજી પ્રવીણભાઈ પરમાર, જીગ્નેશ જીલકા, તાહેર કાસમ, ભીખુ બાલાસરા, મેસેજ ક્લબવાળો પરાગ ગઢવી, સિદ્ધરાજસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ ગઢવી, વિપુલ ભગવાનજી સહિતના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી જેમાં પંકજ મોહન, ખીમજી પરમાર, જીગ્નેશ ધીરૂ, તાહેર કાસમ અને વિપુલ ભગવાનજીની ધરપકડ કરી અને અન્ય પાંચ વ્યાજખોરને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી.