અપરાધીની જેમ બેડીઓથી બાંધવામાં આવ્યા, વ્હાઇટ હાઉસે શેર કર્યો વીડિયો, મસ્ક બોલ્યો- ‘WOW’
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક વલણ દાખવી રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સને ત્રણ જૂથમાં ફ્લાઇટ દ્વારા ભારત મોકલ્યા છે. હથકડી પહેરેલા આ ભારતીયોના ફોટા અને વીડિયો પર ઘણો હોબાળો થયો હતો.
ત્યારે હવે વ્હાઇટ હાઉસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હથકડી પહેરાવતા વીડિયો પોસ્ટ કર્યો છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર પેજ પર પોસ્ટ કરાયેલા આ 41 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક પોલીસ અધિકારી એક સ્થળાંતર કરનારને દેશનિકાલ માટે તૈયાર કરતો જોઈ શકાય છે. વીડિયોમાં અધિકારી સ્થળાંતર કરનાર વ્યક્તિને હથકડી પહેરાવતા જોઈ શકાય છે. એરપોર્ટ પર હથકડી અને સાંકળો રાખવામાં આવી હોય તેવું જોઈ શકાય છે.
જો કે, આ વીડિયોમાં દેશનિકાલ કરવામાં આવી રહેલા વ્યક્તિનો ચહેરો નથી દેખાતો. પરંતુ હાથ અને પગમાં બેડી બાંધેલી જોઈ શકાય છે. બીજી ક્લિપમાં એક માણસ વિમાનમાં ચઢતો જોવા મળે છે. તેના પગમાં બેડીઓ છે. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું પહેલું લશ્કરી વિમાન 5 ફેબ્રુઆરીએ ભારત પહોંચ્યું હતુ. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો અમેરિકન C-147 વિમાન દ્વારા ભારત પહોંચ્યો હતો. આ વિમાનમાં 104 ભારતીયો (79 પુરુષો અને 25 મહિલાઓ) સવાર હતા.
આ વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતુ. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 120 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ખાસ વિમાન 15 ફેબ્રુઆરીએ મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોનો આ બીજો સમૂહ હતો, જેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. આ પછી 16 ફેબ્રુઆરીના રોજ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકાથી ત્રીજું વિમાન અમૃતસરમાં ઉતર્યું. આ વિમાનમાં 112 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા, જેમને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા. જણાવી દઈએ કે ટ્રમ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરિવહન કરવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરી રહી છે.
ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4
— The White House (@WhiteHouse) February 18, 2025