રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત : 19 વર્ષીય યુવકનું બાથરૂમમાં ગયો, પરિવારની માથે આભ તૂટ્યું

એકનો એક પુત્ર આદર્શ સાવલિયાને આવ્યો હાર્ટ એટેક, ઢળી પડ્યો, પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડ્યો, જાણો સમગ્ર મામલો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. હાલમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસમાં કેટલાક લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા હોવાની પણ ખબર હતી. ત્યારે છેલ્લા કેટલા સમયમાં તો ગુજરાતમાં યુવાનોના ક્રિકેટ રમતા અથવા તો જીમમાં એક્સરસાઇઝ કરતા દરમિયાન અથવા તો ફુટબોલ રમતા હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી મોતની ત્રણ ઘટના રાજ્યમાં બની. મોરબી, સુરત બાદ રાજકોટમાં પણ એકનું હાર્ટ એટેકથી મોત થયું.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. આદર્શ સાવલિયા બાથરૂમમાં અચાનક ઢળી પડ્યા બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા પણ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ તેનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું તબીબોએ જણાવ્યું. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું છે.

Image source

મવડી વિસ્તારમાં આવેલી સરદારનગર પટેલ બોર્ડિંગ પાસે રહેતા આદર્શ સાવલિયાના પિતા કારખાનું ધરાવે છે અને તે માતા-પિતાનો એકનો એક પુત્ર હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ હાર્ટ એટેકથી 2 મોત થયા હતા. જેમાં સુરતના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા કાપડના વેપારીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઉપરાંત મોરબીના રફાળેશ્વર ગામમાંથી પણ કારખાનાના ચોકીદારનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યુ હતું. કારખાનાનો દરવાજો ખોલતી વખતે ચોકીદારને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓ ત્યાં ઢળી પડ્યા અને આ ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઇ ગઇ.

Shah Jina