ખાણીપીણીની લારી ચલાવનારના પુત્રને 12 કોમર્સમાં આવ્યા 98.77 પર્સેન્ટાઈલ, માત્ર 3 કલાકના વાંચને અપાવી સફળતા
આજે એટલે કે 9 મેના રોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. ત્યારે રાજકોટની વાત કરીએ તો, રાજકોટ શહેર અને જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 93.29% આવ્યું. રાજકોટના બે વિદ્યાર્થી એવા છે જે હાલ ચર્ચામાં છે સુજલ દેવાણી અને રિશ્તા નંદાસણા. બંને બાળકોનું ખૂબ જ સારુ પરિણામ આવ્યુ છે.
રાજકોટના સુજલ દેવાણીએ માત્ર ત્રણ કલાકના રોજના વાંચન સાથે બોર્ડમાં 98.77 પર્સેન્ટલાઈલ અને 90 ટકા મેળવ્યા છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં બોર્ડ પ્રથમ આવેલી રિશ્તા નંદાસણા દ્વારા 99.98 પીઆર મેળવવામાં આવ્યા છે. સુજલ દેવાણીના પિતા રાજકોટમાં ખાણીપીણીની લારી ચલાવે છે અને સુજલ તેમને આમાં મદદ પણ કરે છે.
સુજલનું કહેવું છે કે,’માતા-પિતાએ ભણવા માટે મને અલગ રૂમની વ્યવસ્થા કરી આપી છે. હું રોજ શાળામાં છ કલાક ધ્યાન આપતો અને ઘરે રોજ માત્ર 3 કલાક જ અભ્યાસ કરતો.’ ત્યારે પુત્રના ધોરણ 12માં 90 ટકા આવતા આખો દેવાણી પરિવાર ખુશ છે. પિતાએ કહ્યુ કે- અમારી આર્થિક સ્થિતિ પહેલા સાવ નબળી હતી પણ દીકરાને અમારા જેવો સંઘર્ષ ન કરવો પડે એટલે અમે ખૂબ મહેનત કરી છે.
તેને ભણાવવા પર ધ્યાન આપીએ છીએ. સુજલની સફળતા પાછળ મમ્મીની મહેનત અને કાકાનું માર્ગદર્શન છે.’ સુજલનું સ્વપ્ન યુપીએસસી ક્રેક કરવાનું છે. ધોરણ 12માં ટોપ કરેલ રિશ્તા નંદાસણાએ જણાવ્યું કે, તેની માતા લાલપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે અને પિતા એસટી વિભાગમાં જામજોધપુર ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે.
માતા પિતાથી દૂર રાજકોટ ખાતે હોસ્ટેલમાં રહીને રિશ્તા પોતાનો અભ્યાસ કરતી અને દિવસના છ કલાક સ્કૂલ અને હોસ્ટેલમાં રહીને વાંચન કરતી. તેનું કહેવું છે કે તેનો સૂર્યોદય પણ સ્કૂલમાં થતો હતો અને સૂર્યાસ્ત પણ. રિશ્તા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગે છે અને આ માટે તેણે અમદાવાદ ખાતે એન્ટ્રસ એક્ઝામ માટે ક્લાસ પણ શરૂ કરી દીધા છે.