આગામી 5 દિવસોમાં ગુજરાતના આ ક્ષેત્રોમાં મેઘરાજા થઇ શકે છે મહેરબાન, જાણો ક્યાં ક્યાં થવાનો છે વરસાદ

છેલ્લા થોડા દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 81.34 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં પડેલા સારા વરસાદના કારણે રાજ્યના ડેમમાં પાણીની સારી આવક થઈ છે, તો નદી, નાળા, સરોવરો સહિત ચેકડેમોમાં નવા પાણી આવવાના કારણે ગુજરાતના માથેથી જળ સંકટ પણ દૂર થયો છે. ત્યારે હજુ પણ આગામી 5 દિવસની અંદર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસોમાં ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, આ તરફ કચ્છ, સુરત, નવસારી, ભરૂચ અને વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવન સાથે છૂટોછવાયો વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આગામી 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસ પહેલા પડેલા  વરસાદના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થતિ પણ ઉત્ત્પન્ન થઇ હતી. આ દરમિયાન ઠેર ઠેર પાણી ભરાવવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા.

રાજ્યમાં સારો વરસાદ થવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં 27 સેમીનો વધારો પણ જોવા મળી રહ્યો છે. હાલ ડેમની જળ સપાટી 123.47 મીટરે પહોંચી છે, તો ઉપરવાસમાંથી 265 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો હાલ પાણીની જાવક ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે,

Niraj Patel