બોલિવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર ટૂંક સમયમાં જ આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં જોવા મળશે, જેને લઈને તે હાલ ખૂબ ચર્ચામાં છે. અક્ષય કુમારની આ ફિલ્મ આવતા મહિને 3 જૂને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા અને માનવ વિજ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારથી ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર રીલિઝ થયું છે, ચાહકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેની રિલીઝ પહેલા જ ખેલાડી કુમારની આ ફિલ્મ વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે.
પૃથ્વીરાજ ચૌહાણનું સામ્રાજ્ય ઉત્તર ભારત અને રાજસ્થાનમાં ફેલાયેલું હતું. તેમના રાજ્યની રાજધાની અજમેર હતી. હવે અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભાએ દાવો કર્યો છે કે પૃથ્વીરાજ ચૌહાણ ગુર્જર રાજા હતા. મહાસભાના આચાર્ય વીરેન્દ્ર વિક્રમે દાવો કર્યો છે કે પૃથ્વીરાજ રાસોના ભાગ 1માં પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વરને ગુર્જર રાજા તરીકે વર્ણવવામાં આવ્યા છે. “આવા ઘણા ઐતિહાસિક તથ્યો છે જે સ્પષ્ટ કરે છે કે તે (પૃથ્વીરાજ) ગુર્જર હતા. આ તથ્યોના આધારે ફિલ્મના નિર્માતાઓને અમારી માંગ છે કે ફિલ્મમાં પૃથ્વીરાજને રાજપૂત તરીકે નહીં પરંતુ ગુર્જર રાજા તરીકે દર્શાવવામાં આવે.
મહાસભાના પ્રદેશ અધ્યક્ષ મનીષ ભરગડે જણાવ્યું હતું કે મહાસભા ગયા વર્ષે ફિલ્મ નિર્માતાને મળી હતી અને તેમને ઐતિહાસિક પુરાવાઓ સોંપ્યા હતા અને તેમને ફિલ્મમાં સાચી હકીકતો રજૂ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે આ જ બેઠક દરમિયાન એક અપીલ પણ કરવામાં આવી હતી કે ફિલ્મમાં માત્ર સાચી હકીકતો જ રજૂ કરવામાં આવે. “ફિલ્મના નિર્માતાએ ભૂતકાળમાં મહાસભાને ખાતરી આપી હતી કે ફિલ્મમાં આપણા સમાજ વિરુદ્ધ કંઈપણ બતાવવામાં આવશે નહીં.
હવે જ્યારે ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે અમે ફરી એક વખત માંગણી કરી છે કે પૃથ્વીરાજ ચૌહાણને ગુર્જર રાજા તરીકે દર્શાવવા જોઈએ. હજુ સુધી આ મામલે રાજપૂત સમાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ ફિલ્મથી મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.