પીએમ મોદીનો જોવા મળ્યો ગુજરાતી પ્રેમ…UAEની મુલાકાત દરમિયાન કારમાં જોવા મળ્યુ ગુજરાતી ન્યુઝ પેપર ગુજરાત સમાચાર
PM Modi Gujarati Newspaper: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની એક દિવસીય મુલાકાત પૂરી કરીને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુધાબીથી દિલ્હી જવા રવાના થયા છે. PM મોદી ફ્રાન્સની બે દિવસની મુલાકાત બાદ 15 જુલાઈ શનિવારના રોજ UAE પહોંચ્યા હતા. જ્યાં તેમણે UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીનો ગુજરાતી પ્રેમ પણ જોવા મળ્યો હતો. પીએમઓએ બંને નેતાઓની મુલાકાતનો ફોટો શેર કર્યો છે.
વિદેશમાં પણ વાંચે છે ગુજરાતી અખબારો
આ તસવીરો પરથી ખબર પડી કે પીએમ મોદી વિદેશમાં પણ ગુજરાતી અખબારો વાંચે છે. વાસ્તવમાં, જ્યારે UAEના રાષ્ટ્રપતિ પીએમ મોદીનું સ્વાગત કરી રહ્યા હતા. તે સમયે પીએમની કારનો ગેટ ખુલ્લો હતો. જેમાં એક ગુજરાતી અખબાર રાખવામાં આવ્યું હતું. ગુજરાત પીએમ મોદીનું હોમ સ્ટેટ છે. પીએમનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. તેમના પ્રવાસના અંતે પીએમ મોદીએ ટ્વિટ પણ કર્યું.
વડાપ્રધાને UAE મુલાકાત બાદ કર્યુ ટ્વીટ
વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું કે ફળદાયી UAE મુલાકાતનું સમાપન. આપણા દેશો આપણા ગ્રહને સુધારવાના ઉદ્દેશ્ય સાથે ઘણા મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. હું ઉષ્માભર્યા આતિથ્ય સત્કાર માટે મહામહિમ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાનનો આભાર માનું છું. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાન સાથેની બેઠકમાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે વ્યાપક વાટાઘાટો કરી હતી.
UAEના રાષ્ટ્રપતિએ કર્યુ PMનું ઉષ્માભર્યું સ્વાગત
વડાપ્રધાને જાહેરાત કરી કે બંને દેશો પોતપોતાની મુદ્રામાં વેપાર શરૂ કરવા સંમત થયા છે. PM મોદીએ કહ્યું કે ગયા વર્ષે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર થયા બાદ ભારત-UAE વેપારમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે PM મોદી જ્યારે શનિવારે એક દિવસની મુલાકાતે અબુ ધાબી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાને પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
બુર્જ ખલીફા પર ત્રિરંગો, PM મોદીની તસવીર કરી પ્રદર્શિત
UAEએ ભારત અને વડાપ્રધાન મોદી પ્રત્યે આદર દર્શાવવા માટે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ‘ત્રિરંગા’ સાથે મોદીની તસવીર તેની સૌથી ઊંચી ઇમારત ‘બુર્જ ખલીફા’ પર પ્રદર્શિત કર્યું. એટલું જ નહીં, ભારતીય પીએમને આવકારવા માટે ‘માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝ વેલકમ’ (વેલકમ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી) લખવામાં આવ્યું હતું.
પીએમ મોદીના હાથ પર બાંધ્યો ‘ફ્રેન્ડશિપ બેન્ડ’
UAEમાં તેમના આગમન પર રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને અબુ ધાબીમાં રાષ્ટ્રપતિ મહેલ કસ્ર અલ-વતન ખાતે મોદીનું સ્વાગત કર્યું. તેમણે પીએમ મોદીના હાથ પર ‘ફ્રેન્ડશિપ બેન્ડ’ પણ બાંધ્યો હતો. જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીએ અગાઉ 2015, 2018, 2019 અને 2022માં ગલ્ફ દેશની મુલાકાત લીધી હતી.
PM @narendramodi had a wonderful meeting with HH Sheikh Mohamed bin Zayed Al Nahyan. Their discussions focussed on enhancing India-UAE ties in a host of sectors, including trade, economy, culture as well as people-to-people connect. @MohamedBinZayed pic.twitter.com/GrAAIMsdVy
— PMO India (@PMOIndia) July 15, 2023