BREAKING : યુક્રેન સંકટ પર PM મોદીએ લીધો મોટો નિર્ણય

PM નરેન્દ્ર મોદીએ સોમવારે યુક્રેન સંકટને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને ભૂતપૂર્વ આર્મી ચીફ વીકે સિંહ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓના બચાવ કાર્યમાં મદદ કરવા યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેશે. આ મંત્રીઓ ભારતના વિશેષ દૂત તરીકે જઈ રહ્યા છે. યુક્રેનથી 249 ભારતીયોને લઈને પાંચમી ફ્લાઈટ દિલ્હીમાં લેન્ડ થઈ ગઇ છે. આ ફ્લાઈટે રવિવારે રાત્રે રોમાનિયાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. વિદેશ મંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ત્યારે પરિવારના સભ્યો પોતાના પ્રિયજનોને મળીને ભાવુક થઈ ગયા હતા. તેઓએ તેમના પ્રિયજનોનું ફૂલો અને ગુલદસ્તાથી સ્વાગત કર્યું. ત્યાં, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બંનેમાંથી એક પણ દેશ ઝૂકવા તૈયાર નથી. રશિયાની સેનાનો 5 કિલોમીટર લાંબો કાફલો યુક્રેનની રાજધાની કિવ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. રશિયન સેના કિવ પર કબજો કરવાની તૈયારી કરી રહી છે. વિશ્વના સૌથી મોટા વિમાનને રશિયન સૈનિકોએ કિવ નજીકના એક એરફિલ્ડમાં તોડી પાડ્યું હતું. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રવિવારે આ અંગે માહિતી આપી હતી.

પીએમ મોદીની બેઠકની વાત કરીએ તો, આ બેઠકમાં મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. આ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે ભારતીયોની વાપસી માટે 4 કેન્દ્રીય મંત્રી પાડોશી દેશ યુક્રેન જશે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમની ઉચ્ચ સ્તરીય બેઠક બે કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.

આ દરમિયાન પીએમએ કહ્યું કે અમારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્થળાંતર સુનિશ્ચિત કરવું એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બેઠક દરમિયાન, યુક્રેનના પડોશી દેશો સાથે ઝડપથી સ્થળાંતર કરવા માટે સહયોગ વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

Shah Jina