અમદાવાદમાં સેટેલાઈટમાં અભિનેત્રી પાયલે માથાકૂટ કરી હતી, હવે કોર્ટમાં ઢીલી પડી, રડવા લાગી, જાણો શું હતી મેટર
ફરી એકવાર એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohatgi) ચર્ચામાં છે. પાયલ અવાર નવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા પણ તે અનેક વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે બે વર્ષ પહેલા અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં નહેરુ પરિવાર અંગે વિવાદિત પોસ્ટ કરી હતી અને આ અંગે રાજસ્થાનના બુંદીમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેને લઈને રાજસ્થાન પોલીસ દ્વારા પાયલ રોહતગીની ધરપકડ કરાઈ હતી. ત્યારે વધુ એક મુદ્દે પાયલ હાલ ચર્ચામાં છે અને તેનો આ મુદ્દો કોર્ટ સુધી પણ પહોંચ્યો છે.
એક્ટ્રેસ હાલમાં એક કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં હાજરી આપવા પહોંચી હતી અને તે આ દરમિયાન રડવા લાગી હતી. અમદાવાદમાં તેના માતા-પિતા જે સોસાયટીમાં રહે છે, તેના ચેરમેન દ્વારા પાયલ પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે અભિનેત્રી સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ્દ કરવા કોર્ટના શરણે પહોંચી છે. પાયલ રોહતગીએ હાઇકોર્ટ સમક્ષ માફી પણ માંગી છે. આ કેસમાં રાહત આપવા તેણે આંસુ સાર્યા હતા, પણ FIR રદ કરવી કે ના કરવી તે અંગે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે.
જણાવી દઇએ કે, પાયલ રોહતગીના માતા-પિતા અમદાવાદમાં જે સોસાયટીમાં રહે છે ત્યાના રહેવાસી જ પરાગ શાહે FIR દાખલ કરાવી હતી અને તે બાદ અભિનેત્રીની અટકાયત પણ કરવામાં આવી હતી. પાયલે સોશિયલ મીડિયા પર ચેરમેન વિરુદ્ધ વિવાદસ્પદ લખાણ લખ્યું હતું અને વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ મેસેજ પણ કર્યા હતા અને અપશબ્દો બોલ્યા હોવાનો તબીબે આક્ષેપ કર્યો હતો.
કોમન પ્લોટમાં રમવાની વાતને લઈને ઝઘડો તેમજ સોસાયટીના સભ્યોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પાયલ દ્વારા આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. પરાગ શાહ કે જે ઓફ્થેલ્મોલોજિસ્ટ (આંખના ડોક્ટર) છે, તેમણે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેના માતા-પિતા સભ્યો હોવાનું કહેવા છતાં પણ પાયલ રોહતગીએ એન્યુઅલ જનરલ મીટિંગમાં હાજરી આપી હતી. મીટિંગમાં તેના મમ્મી પહેલાથી જ હાજર હતા અને તેની કોઈ જરૂર નહોતી.
પરાગ શાહે આરોપ લગાવ્યો હતો કે, પાયલે માર્ચ 2021માં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ટીમ પાયલ રોહતગી પરથી બિલ્ડિંગના ચેરમેન-સેક્રેટરી અને સભ્યો સામે ખોટા મેસેજ પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું અને તેણે એક સભ્યની વધારે બાળક હોવા અંગે મજાક પણ ઉડાવી હતી. ત્યારે હવે પાયલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ બે હાથ જોડી બિનશરતી માફી માંગવા તૈયારી દર્શાવી છે.