‘અમને અમારુ જીવન જીવવા દો…’ જ્યારે કોર્ટમાં ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો કૌભાંડી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી

પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષા મંત્રી પાર્થ ચેટર્જીને બુધવારે કસ્ટડી આગળ વધારવા માટે સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યારે તેઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. કોર્ટમાંથી જામીન માટે અપીલ કરતા તેણે પોતાને રાજકારણનો શિકાર ગણાવ્યો અને કહ્યું કે તેને પોતાનું જીવન જીવવા દેવામાં આવે. ત્યાં જ્યારે આ કેસમાં સહ-આરોપી અને પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખર્જી કોર્ટમાં હાજર થઈ, ત્યારે તેની ધીરજ તૂટી ગઈ અને તે ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગી. બંને લોકો વર્ચ્યુઅલ માધ્યમથી કોર્ટમાં હાજર થયા હતા.

ઈડીએ શિક્ષક ભરતી કૌભાંડમાં દરોડા પાડીને અર્પિતા મુખર્જીના પરિસરમાંથી લગભગ 50 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ પછી, આ કેસમાં પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. બંનેની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થવા જઈ રહી હતી, ત્યારે EDએ બુધવારે બંનેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં હાજરી દરમિયાન પાર્થ ચેટર્જી અચાનક રડવા લાગ્યો હતો. ‘હું લોકોમાં મારી છબીને લઈને ખૂબ જ ચિંતિત છું. હું ઇકોનોમિક્સ ઓનર્સનો વિદ્યાર્થી છું.

મંત્રી બનતા પહેલા વિપક્ષનો નેતા હતો. હું રાજકારણનો શિકાર છું. EDએ મારા ઘરે અને મારા મતવિસ્તારમાં જઈને મારા વિશે જાણકારી મેળવવી જોઈએ. હું એલએલબી શિક્ષિત છું. મને બ્રિટિશ શિષ્યવૃત્તિ મળી છે. મારી પુત્રી યુકેમાં રહે છે. હું આવા કૌભાંડમાં કેવી રીતે સામેલ થઈ શકું ? રિપોર્ટ અનુસાર, આ કહેતા પાર્થ ચેટર્જીની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગ્યો. ચેટર્જી પછી અર્પિતા મુખર્જી વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર થઈ. તેણે કહ્યું, ‘મને બિલકુલ ખ્યાલ નથી કે મારી સાથે આ બધું કેવી રીતે થયું.

મને ખરેખર ખ્યાલ નથી કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મારા ઘરમાંથી આટલા પૈસા કેવી રીતે મળ્યા. આ પછી કોર્ટે મુખર્જીને પૂછ્યું કે જ્યારે આટલા બધા પૈસા તમારા ઘરેથી મળી ગયા છે, તો તમે ચોક્કસપણે જવાબદાર છો. આના પર તેણે કહ્યું, ‘પણ મને આ પૈસા વિશે કંઈ ખબર નથી. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છું. હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું. મારા પિતા હવે હયાત નથી. મારી માતા 82 વર્ષની છે અને તેમની હાલત ખરાબ છે. ED આવા દરોડા કેવી રીતે પાડી શકે ? આ પછી પાર્થ ચેટર્જીએ કહ્યું કે તેમને જામીન આપવામાં આવે.

તેમના વકીલે કહ્યું કે તેમના ક્લાઇન્ટ પહેલાથી જ તપાસ એજન્સીને સહકાર આપી રહ્યા છે. ચેટર્જીએ કહ્યું, ‘હું શાંતિથી જીવવા માંગુ છું. કૃપા કરીને મને મારું જીવન જીવવા દો. મને કોઈ પણ સંજોગોમાં જામીન આપો.’ જોકે, સ્પેશિયલ ED કોર્ટે જામીન નામંજૂર કરતાં ચેટર્જી અને મુખર્જીની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારી દીધી હતી. હવે તેઓને 28 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Shah Jina