હાલ દેશભરમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે, નવરાત્રીનો તહેવાર ગરબા રમવા ઉપરાંત માતાજીની આરાધના અને ભક્તિ કરવાનો પણ છે. નવરાત્રીમાં ઘણાં લોકો કેટલાક શુભકાર્ય પણ કરતા હોય છે, ત્યારે જો નવરાત્રીના દિવસોમાં જ ઘરમાં દીકરીનો જન્મ થાય તો જાણે કે સાક્ષાત દેવીએ આવતાર લીધો હોય તેમ માનવામાં આવે છે, ત્યારે હાલ એક ખુશખબરી અભિનેતા પરમિશ વર્માએ પણ આપી છે. તે નવરાત્રીમાં જ પિતા બન્યો છે.
પંજાબી ગાયક અને અભિનેતા પરમિશ વર્માનું ઘર નાના બાળકની કિલકારીથી ગુંજી ઉઠ્યું. પરમીશની પત્ની ગીત ગરેવાલે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. નવરાત્રિમાં જ દીકરીનો જન્મ થવો એટલે કે જાણે ઘરમાં સાક્ષાત લક્ષ્મી અવતર્યા છે. ત્યારે દંપતી ખૂબ જ ખુશ છે. અભિનેતાએ આ સારા સમાચાર ઇન્સ્ટા દ્વારા ચાહકો સાથે શેર કર્યા. પોતાના લિટલ એન્જલની સુંદર ઝલક શેર કરતા પરમીશે ચાહકોને ખુશખબર આપી.
આ સાથે તેણે પોતાની લાડલીનું નામ પણ જાહેર કર્યું. તેણે નવજાત બાળકનું નામ ‘સદા’ રાખ્યું છે. શેર કરેલી તસવીરમાં પરમીશ તેની નાનકડી એન્જલને ખોળામાં પકડેલો જોવા મળે છે. આ સુંદર તસવીરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ‘સદા’ તેના પિતાના ચહેરાને સ્પર્શ કરવા માટે તેના નાના હાથ ફેલાવી રહી છે. પિતા બનવાની ખુશી પરમીશના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.
તસવીર શેર કરતા પરમીશે લખ્યું “અને આ રીતે હું પૃથ્વી પરનો સૌથી ખુશ માણસ બન્યો, મારી દીકરી’ ‘સદા’ ‘સਦਾ’. વાહેગુરુ જી મેહર કરી ️” ચાહકોને પરમીશ અને તેની પુત્રીની આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. આ સાથે જ પરમીશને પિતા બનવા પર ઘણી શુભેચ્છાઓ પણ આપવામાં આવી રહી છે. પરમીશે એપ્રિલ 2022 માં તેની પત્નીની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. પત્ની ગીત સાથેનો ફોટો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું ‘અમે એ સમાચાર શેર કરતાં ખુશ છીએ કે અમે માતા-પિતા બની રહ્યા છીએ. તમે અમારા જીવનમાં આપેલા આશીર્વાદ માટે ભગવાનનો આભાર. વાહેગુરુ મહેર કરે.’