સુરતમાં માતા-પિતાએ દેવું કરી પોતાના પુત્રને વિદેશ મોકલ્યો હતો પણ કળિયુગી પુત્રએ તો વિદેશ પહોંચ્યા બાદ માં-બાપ સાથે સંબંધ જ તોડી નાખ્યો. ત્યારે વ્હાલસોયા પુત્રના સંબંધ કાપી નાખ્યા બાદ વૃદ્ધ દંપતીએ આપઘાત કરી લીધો. જો કે આપઘાત વૃદ્ધ દંપતીએ સુસાઇડ નોટ લખી હતી. કળયુગી પુત્રએ કેનેડા ગયા બાદ માતા-પિતા સાથે સંપર્ક કાપી નાખતા માઠું લાગી આવતા બંનેએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, 66 વર્ષીય ચુનીભાઈ ભગવાન ગેડિયા અને 64 વર્ષીય મુક્તાબેન પરિવાર સાથે સુરતના સરથાણાના મીરા એવન્યુમાં રહેતા હતા. વયોવૃદ્ધ હોવાને કારણે ચુનીભાઈ નિવૃત્ત જીવન જવી રહ્યા હતા, અને તેમના બે દીકરા પૈકી એક મોડલિંગનું કામ કરતો અને અન્ય કેનેડામાં રહેતો. જો કે, ચુનીભાઈ અને પત્ની મુક્તાબેનએ શનિવારે સવારે ઘરે જ રૂમમાં છતના પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો.
ઘટનાની જાણ થતા પુત્ર સહિતના પરિવારના તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. જો કે, આપઘાત પહેલા મૃતકોએ પાંચ-સાત પાનાની સુસાઈડ નોટ લખી હતી, જે આધારે સરથાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આપઘાતનું કારણ પુત્રનું માતા-પિતાથી અળગા રહેવું અને પુત્રવધૂની ગેરવર્તણૂક જાણવા મળી રહ્યુ છે. થોડા સમય પહેલાં પીયૂષને 38 લાખ જેટલું દેવું થઈ જતા માતા-પિતાએ દાગીના વેચીને ચૂકવ્યું હતું.
આ પછી પીયૂષને કેનેડા મોકલી વ્યવસાય કરવા માટેની તક આપી. જો કે, પીયૂષ કેનેડા ગયા પછી માતા-પિતાને ભૂલી ગયો હતો અને તેમની સાથે સંબંધ કાપી નાખ્યો હતો. સુસાઇડ નોટમાં મૃતકે સાથે રહેતા પુત્ર અને પુત્રવધૂનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે આપઘાત બાદ ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ પણ કરી હતી. પીયૂષની પત્ની દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન અને પુત્રએ કાપી નાખેલ સંબંધનો પણ ઉલ્લેખ કર્યો હતો.