પાકિસ્તાનમાં પડેલી ભારતની મિસાઈલ વિશે જવાબ આપતા ઇમરાન ખાને જે કહ્યું તે સાંભળીને તમે પણ હેરાન રહી જશો, જુઓ

9 માર્ચના રોજ એક હથિયાર રહિત ભારતીય સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનના વિસ્તારમાં ઘુસી ગઈ હતી. જેને લઈને હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને આકસ્મિક રીતે છોડાયેલી આ મિસાઈલને લઈને એક હેરાન કરી દેનારું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યું છે કે જો ભારતીય મિસાઈલ તેના પંજાબ પ્રાંતમાં પડી તો પાકિસ્તાન ભારતને જવાબ આપી શક્યું હોત, પરંતુ તેણે સંયમ દાખવ્યો.

મિસાઇલ લાહોરથી 275 કિમી દૂર મિયાં ચન્નુ પાસેના કોલ્ડ સ્ટોરને અથડાતા પહેલા તેણે ઘણી એરલાઇન્સ માટે મોટો ખતરો ઉભો કર્યો હતો. જો કે આ મિસાઈલ પડવાને કારણે પાકિસ્તાનમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ મામલે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપતા પીએમ ઈમરાને કહ્યું કે, મિયાં ચન્નુમાં ભારતીય મિસાઈલ પડ્યા બાદ અમે જવાબ આપી શક્યા હોત, પરંતુ અમે સંયમ બતાવ્યો.

વડા પ્રધાન ઇમરાન ખાન રવિવારે પંજાબના હાફિઝાબાદમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા સંયુક્ત અવિશ્વાસની દરખાસ્ત વચ્ચે એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. દેશની સંરક્ષણ તૈયારીઓનું વર્ણન કરતા ઈમરાને કહ્યું, “આપણે આપણી સેના અને દેશને મજબૂત બનાવવી પડશે.” આ પહેલા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આકસ્મિક રીતે મિસાઈલ છોડવા બદલ તે ભારતના સરળ સ્પષ્ટીકરણથી સંતુષ્ટ નથી. તેમને આ મામલે સંયુક્ત તપાસની માંગ કરી.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલય (એફઓ)એ કહ્યું કે પાકિસ્તાને તથ્યો સ્થાપિત કરવા માટે નવી દિલ્હીને આ ઘટનાની સંયુક્ત તપાસનો પ્રસ્તાવ મૂક્યો છે, કારણ કે મિસાઇલ પાકિસ્તાની ક્ષેત્રમાં પડી હતી. એફઓએ કહ્યું કે ભારત મિસાઇલના આકસ્મિક પ્રક્ષેપણ વિશે તાત્કાલિક માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું. એફઓએ મિસાઇલ અને આવી ઘટનાઓ સામે ભારતના સુરક્ષા પગલાં અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભારતે દાવો કર્યો હતો કે નિયમિત જાળવણી કામગીરી દરમિયાન ટેકનિકલ ખામીને કારણે મિસાઈલ આકસ્મિક રીતે છોડવામાં આવી હતી. ભારતે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

Niraj Patel