ભારતથી પાકિસ્તાન મોકલાયો દરવાજો, 77 વર્ષ બાદ દરવાજો જોતા જ ભાવુક થઇ ગયા પ્રોફેસર- ખુશીથી નમ થઇ આંખો

1947માં ભારતનું વિભાજન થયું ત્યારે ઘણા લોકોનું બધું જ લૂંટાઈ ગયું. ઘણા લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું હતુ. ભારતમાં રહેતા ઘણા લોકોએ પાકિસ્તાનમાં પોતાનું ઘર છોડી દીધું અને જે લોકો પાકિસ્તાન ગયા તેઓ ભારતમાં પોતાનું ઘર છોડી ગયા. આવું જ કંઈક લાહોરના રહેવાસી પ્રોફેસર અમીન ચૌહાણ સાથે થયું હતુ, જેમનું જૂનું ઘર ભારતમાં છે. જ્યારે ભૂતકાળનો એક અંશ તેમની પાસે પહોંચ્યો ત્યારે તે તેમની આંખોમાંથી આંસુ રોકી ના શક્યા. તેમના ઘરનો દરવાજો મુંબઈથી લાહોર મોકલવામાં આવ્યો હતો.

રીપોર્ટ્સ અનુસાર, દરવાજાને સૌથી પહેલા પંજાબના બટાલાથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. અહીંથી યાત્રા શરૂ કરી અને દુબઈ, કરાચી થઈને લાહોર પહોંચ્યો. અમીન ચૌહાણને ભારતમાં રહેતા તેમના મિત્ર પલવિંદર સિંહે ભેટ તરીકે મોકલ્યો હતો. તેમના માટે તે માત્ર એક દરવાજો નથી પણ યાદો અને ઈતિહાસ છે. અમીન ચૌહાણના પિતાનું ઘર બટાલાના ઘોમન પિંડમાં હતું. જ્યારે તેઓ પાસે દરવાજો પહોંચ્યો તો કોઈએ તે સમયનો વીડિયો બનાવ્યો. આ પછી સોશિયલ મીડિયા પર વીડિયો આવતા જ તે વાયરલ થઇ ગયો.

જ્યારે પ્રોફેસરે પેકિંગ કાઢીને દરવાજો જોયો તો તેમની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા. તેમનો આ વિડિયો ભાગલાને કારણે થયેલા ઘાવની યાદ અપાવે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સાદ ઝાહિદ નામના યૂઝરે શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે, ‘આ હૃદયસ્પર્શી વીડિયોમાં જોવા મળી રહેલા એચિસન કોલેજના જુનિયર સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ પ્રોફેસર અમીન ચૌહાણ છે. ભારતથી આવેલા તેમના મિત્ર પલવિંદર સિંહ તરફથી તેમને ખાસ ભેટ મળતા તે ભાવુક થઈ ગયા હતા. ભેટ શું છે ?

બટાલાના ઘોમન પિંડમાં પ્રોફેસરના પિતાના ઘરનો આ જૂનો દરવાજો છે. યાદો અને ઈતિહાસથી ભરેલો આ દરવાજો બટાલાથી મુંબઈ, પછી દુબઈ, કરાચી અને છેલ્લે લાહોર સુધી લાંબુ અંતર કાપી પહોંચ્યો, જ્યાં અમીન રહેતા હતા. પ્રોફેસર આ જૂના દરવાજાને જોતા જ પોતાના આંસુ રોકી શક્યા નહિ. આ દરવાજાના મતલબ અને તેની સાથે જોડાયેલી યાદોથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ભલે 1947ના ભાગલાએ જમીન વહેંચી દીધી હોય, પરંતુ તે પંજાબીઓના હૃદયને અલગ કરી શક્યું નથી, જેઓ સામાન્ય વારસો અને મિત્રતા દ્વારા જોડાયેલા રહે છે.’ જણાવી દઇએ કે, લોકો વીડિયોને પસંદ કરી રહ્યા છે અને પોસ્ટ પર કોમેન્ટ કરીને પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Shah Jina