‘સ્લો પોઇઝન આપવામાં આવ્યુ…’ માફિયા મુખ્તાર અંસારીના મોત બાદ દીકરા ઉમર અંસારીની પ્રતિક્રિયા

 

ગુનાહિત ઈતિહાસ ધરાવતા યુપીના કુખ્યાત માફિયા મુખ્તાર અન્સારીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. બાંદા જેલમાં ઉલ્ટીની ફરિયાદ બાદ મુખ્તાર અંસારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયુ હતુ. આજે પરિવારની હાજરીમાં ડોક્ટરોની પેનલ મુખ્તારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. મુખ્તારના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ મુખ્તારનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.માફિયા મુખ્તારનો નાનો પુત્ર ઉમર અંસારી મોડી રાત્રે બાંદા હોસ્પિટલ પહોંચ્યો હતો.

આ દરમિયાન બાંદા પહોંચેલા મુખ્તારના નાના પુત્ર ઉમર અંસારીએ આરોપ લગાવ્યો કે મુખ્તારને જેલમાં ધીમું ઝેર આપવામાં આવી રહ્યુ હતું જેના કારણે તેનું મોત થયું. ઉમરે આરોપ લગાવ્યો છે કે મુખ્તારને 19 માર્ચે ઝેર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેની તબિયત બગડવા લાગી હતી. મુખ્તારને ત્રણ દિવસ પહેલા પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉમરે ડોક્ટરો પર દબાણમાં કામ કરવાનો આરોપ લગાવ્યો અને મુખ્તારની સંપૂર્ણ સારવાર ન કરાવવાનો પણ આરોપ લગાવ્યો.

મળતી માહિતી મુજબ, ગુરુવારે સાંજે લગભગ 8 વાગ્યા પછી મુખ્તારને જેલમાં ઉલ્ટીની ફરિયાદ બાદ અને બેભાન થઈ ગયા બાદ તાત્કાલિક રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યો જ્યાં ડોક્ટરોની ટીમે તેની સારવાર શરૂ કરી. તબીબોના પ્રયાસો કામ ન આવતા આખરે મુખ્તાર અંસારીના મૃત્યુની માહિતી રાત્રે 10.30 વાગ્યે જાહેર કરવામાં આવી. મુખ્તારના મોતના સમાચાર ફેલાતા જ સમગ્ર યુપીના એક ડઝનથી વધુ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. લખનઉમાં સીએમ આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી.

આ દરમિયાન મોડી રાત્રે મુખ્તાર અંસારીનો પુત્ર ઉમર બાંદાની હોસ્પિટલ પહોંચ્યો. મુખ્તારના મોત બાદ યુપીથી લઈને બિહાર સુધી રાજકીય બયાનબાજીનો સમયગાળો શરૂ થઈ ગયો છે. તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા પપ્પુ યાદવ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે મુખ્તારના મોતને લઈને યુપી સરકાર પર પ્રહારો કર્યા છે, જ્યારે યુપીના આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મુખ્તારના મોતની સીબીઆઈ તપાસની માંગ કરી છે.

કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ પણ માફિયા મુખ્તારના મોત પર સવાલ ઉઠાવ્યા છે.મુખ્તારના પુત્ર ઉમર અંસારીનું કહેવું છે કે તેના પિતાની હત્યા કરવામાં આવી છે, તેને સ્લો પોઈઝન આપવામાં આવ્યું છે અને તેથી અંસારી પરિવાર તેની તપાસ માટે કોર્ટમાં જશે. ANI સાથે ટૂંકી વાતચીતમાં ઉમરે કહ્યું કે, વહીવટીતંત્ર દ્વારા મને કંઈ કહેવામાં આવ્યું નથી. મને તેના વિશે મીડિયા દ્વારા જ ખબર પડી હતી પરંતુ હવે આખો દેશ બધુ જાણે છે. બે દિવસ પહેલા હું તેને (મુખ્તાર અંસારી) મળવા આવ્યો હતો, પરંતુ મને મંજૂરી આપવામાં આવી ન હતી.

અમે આ પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહીશું, તેને 19 માર્ચે રાત્રિભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. અમે ન્યાયતંત્રનો સંપર્ક કરીશું. અમને તેના પર પૂરો વિશ્વાસ છે. થોડા દિવસો પહેલા મુખ્તારના ભાઈ અને ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીએ પણ આરોપ લગાવ્યો હતો કે મુખ્તારને જેલમાં ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે. આ વાત ખુદ મુખ્તાર તરફથી પણ કહેવામાં આવી હતી. જો કે, જેલ સત્તાવાળાઓએ આ આરોપને એમ કહીને નકારી કાઢ્યો હતો કે બધા કેદીઓ માટે ભોજન એકસાથે રાંધવામાં આવે છે. અન્ય કોઈને કોઈ સમસ્યા નથી.

Shah Jina