લગ્ન પછી તરત જ કામે લાગી ગયા લોકલાડીલા ખજુરભાઇ…ધર્મજના નિરાધાર બાળકની વ્હારે આવ્યા નીતિન જાની- વીડિયો જોઇ તમારી આંખમાંથી પણ આવી જશે આંસુ

જિગલી ખજૂરના કોમેડી વીડિયોથી લોકોને પેટ પકડીને હસાવનાર ખજૂરભાઇ છેલ્લા થોડા વર્ષોથી કોમેડી કિંગ તરીકે નહિ પરંતુ એક મસીહા તરીકે ઓળખાવવા લાગ્યા છે. તૌકતે વાવાઝોડા બાદ નીતિન જાની લોકસેવાના કામોમાં લાગ્યા અને અત્યાર સુધી તેઓ હજારો લોકોને મદદ કરી ચુક્યા છે અને ઘર વિહોણા લોકોને અથવા તો જે લોકોના ઘર તૂટી ગયા હતા તેમને નવા ઘર પણ બનાવી આપ્યા છે.

નીતિન જાની નામ સાંભળતા જ ગુજરાતીઓ ગર્વ અનુભવે

ખજુરભાઇ એટલે કે નીતિન જાની જેમનું નામ સાંભળતા જ ગુજરાતીઓ ગર્વ અનુભવે. ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા અને ગરીબોના મસીહા બની ચૂકેલા નીતિન જાનીને હવે કોઇ ઓળખની જરૂર નથી. તેઓ એક એવું નામ બની ગયા છે, જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યું છે. નીતિન જાની તેમના સેવાકીય કામને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે.

ધર્મજ ગામના 13 વર્ષના નિરાધાર કિશોરની વ્હારે આવ્યા નીતિન જાની

ત્યારે હાલમાં જ તેઓ તેમની મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. જોકે, લગ્ન બાદ હનીમુન કે ફરવા જવાને બદલે તેઓ સેવાના કામમાં લાગી ગયા છે. નીતિન જાની હાલમાં આણંદના ધર્મજ ગામના 13 વર્ષના નિરાધાર કિશોરની વ્હારે આવ્યા છે, અને તેને નવું ઘર બનાવી આપી રહ્યા છે.

માતા નાનપણમાં છોડી ચાલી ગઇ, દાદીનું અવસાન થઇ ગયુ

આ દરમિયાનની એક વીડિયો નીતિન જાનીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં કિશોર તેમના પગે પડતો અને રડતો જોઇ શકાય છે. ધર્મજ ગામના 13 વર્ષના નયનની માતા તેને નાનપણમાં છોડી ચાલી ગઈ હતી અને પિતા રખડતા ફરતા હતા. જો કે, દાદી તેનું ભરણપોષણ કરતા પણ ચારેક વર્ષ પહેલા દાદીનું પણ અવસાન થઇ ગયું. જેને કારણે તે નિરાધાર બન્યો હતો. આ ઉપરાંત એવું થયુ કે તેનું મકાન વાવાઝોડામાં તૂટી ગયું.

જર્જરિત મકાન જોઈ ખજૂરભાઈનું દિલ દ્રવી ઉઠ્યું

જો કે, આસપાસનાં લોકો તેને જમવાનું આપતા. નયન સારી રીતે બોલી શક્તો નહોતો. તે હાલ 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ જ્યારે આ નિરાધાર બાળકની વાત નીતિન જાનીનાં ધ્યાનમાં આવી તો તેઓ ધર્મજ ગામમાં દોડી ગયા અને તેનું જર્જરિત મકાન જોઈ ખજૂરભાઈનું તો દિલ દ્રવી ઉઠ્યું. તેમણે નયનનું નવું મકાન બનાવવાનું નક્કી કરી જાતે જ ઈંટો ઊંચકી મકાનને બનાવવાનું ચાલુ કરી દીધું.

Shah Jina