સ્પિનર બોલર એજાઝ પટેલે રચ્યો ભારત સામે ઇતિહાસ, પહેલી ઇનિગ્સમાં જ ખેરવી નાખી 10 વિકેટ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે મેદાન ઉપર ખુબ જ રોમાન્ચ જોવા મળી રહ્યો છે, આજે ભારતની ટીમ 325 રનનો સ્કોર બનાવીને આઉટ થઇ ગઈ છે. ત્યારે ન્યુઝીલેન્ડના સ્પિનર બોલર એજાઝ પટેલે આજે ઇતિહાસ સર્જી દીધો છે. ભારતની પ્રથમ ઇનિંગ્સમાં જ તેને ભારતના 10 ખેલાડીઓને આઉટ કર્યા.

ભારતમાં જન્મેલા અને ન્યૂઝલેન્ડ તરફથી ક્રિકેટ રમી રહેલા એજાઝ પટેલે ભારતની આખી ટીમને આઉટ કરી દીધી. એજાઝ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ઇનિંગ્સની અંદર 10 વિકેટ લેનારો પહેલો બોલર બન્યો છે. આ પહેલા પણ બે બોલર એવા છે જેમને 10 વિકેટ લીધી છે. જેમાં ભારતના અનિલ કુંબલે અને ઈંગ્લીશ ક્રિકેટર જિમ લેકરનો સમાવેશ થાય છે. પરંતુ આ બંને બોલરોએ તે વિકેટ બીજી ઇનિંગ્સમાં અને પાંચમા દિવસે લીધી હતી.

જેના કારણે એજાઝ પટેલની આ સિદ્ધિને ખુબ જ મોટી માનવામાં આવી રહી છે. એજાઝની આ ઉપલબ્ધી બાદ ભારતીય દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે દ્વારા પણ એજાઝ પટેલને ટ્વીટર દ્વારા શુભકામનાઓ આપવામાં આવી છે. આ દરમિયાન મેદાનમાં પણ કેટલાક અનોખા દૃશ્યો જોવા મળ્યા હતા.

જયારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હતી ત્યારે દર્શકો કુંબલેનો રેકોર્ડ બચાવવા માટે કપ્તાન કોહલીને અપીલ કરતા જોવા મળ્યા હતા. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલાક દર્શકો કપ્તાન વિરાટ કોહલીને ભારતની ટીમની પારી ડિક્લેર કરવાનું કહેતા હતા. વીડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે દર્શકો “ડિક્લેર કર, ડિક્લેર કર..” ની બૂમો પાડી રહ્યા છે.

ભારતે પ્રથમ ઈનિંગ્સમાં 325 રનનો સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું છે. અક્ષર પટેલે પોતાની ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફ્ટી લગાવી. મયંક અગ્રવાલના 150 રન અને અક્ષર પટેલની લડાયક 52 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગ્સમાં 325 રનનો સ્કોર કર્યો છે. ત્યારે તાજી અપડેટ પ્રમાણે ન્યુઝીલેન્ડની ટીમે 40 રનમાં 6 વિકેટ ખોઈ નાખી છે.

Niraj Patel