BREAKING: ભારતનો બાર-બાર વર્ષનો ઇન્તજાર આજે નીરજે ખતમ કર્યો, યુવાનીએ કાળને બદલ્યો!

આજે ભારત માટે ખરેખર સોનાનો સૂરજ ઉગ્યો છે. વાત જાણે એમ છે કે, પાણીપતના ૨૩ વર્ષીય જાંબાજે જાપાન ખાતે ચાલી રહેલી ઓલમ્પિકમાં ‘સોનું’ જીત્યું છે. આ જેવી-તેવી વાત નથી. આ ઘટના ભારત માટે અસામાન્ય છે!

અસામાન્ય એટલા માટે કે, રમતોના શંભુમેળા જેવી ઓલમ્પિકમાં ભારતને કોઈ ખેલાડી દ્વારા મળેલો ઓલમ્પિક ઇતિહાસનો આ બીજો ગોડલ મેડલ છે. જૈવલિન થ્રો અર્થાત્ ભાલાફેંકમાં નીરજ ચોપરાએ આ કમાલ કર્યો છે. આ રમતમાં તો નીરજ એકમાત્ર ભારતીય છે જેણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

૧૨ વર્ષનો ઇન્તજાર આજે ખતમ થયો:

૨૦૦૮નું વર્ષ હતું અને ઓલમ્પિક યોજાઈ હતી ચીનનાં બીજિંગમાં. એ વખતે ૧૦ મીટર પિસ્તોલ શૂટિંગમાં અભિનવ બિન્દ્રાએ ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. બસ, તે ઘડી ને આજનો દિ’…૧૨ વર્ષનાં વહાણાં વાઈ ગયાં પણ ભારતને એક પણ ગોલ્ડ ના મળ્યો. આજે એક રીતે કહો તો નીરજ ચોપરાએ ભાલાફેંકની રમતમાં એ ભાલો એ મહેણાંની છાતીમાં ભોંક્યો!

ફેંક જહાઁ તક ભાલા જાએ!:

જાપાનની રાજધાની ખાતે ચાલી રહેલી ‘ટોક્યો ઓલમ્પિક-૨૦૨૦’માં જૈવલિન થ્રો(ભાલાફેંક)ની રમતની ફાઇનલમાં નીરજની રાહ આસાન તો હતી જ નહી. પ્રતિસ્પર્ધીઓ પણ ગંજાવર હતા. ટોટલ ૬ રાઉન્ડની ફાઇનલ રમતમાં નીરજનો ભાલો આજે નવા જોશ સાથે ફેંકાતો રહ્યો.

એમાંયે બીજા રાઉન્ડમાં તો નીરજે કમાલ કરી દીધો. ભાલો ફેંક્યો તે છેક ૮૭.૫૮ મીટર છેટે જઈને જમીનને અડ્યો! અન્ય કોઈ હરીફ આ રેકોર્ડને આંબી શક્યો નહી. હાલ આખો દેશ નીરજને વધામણીઓ આપી રહ્યો છે. ક્રિકેટ સિવાય બીજી રમતે પ્રત્યે નીરસ રહેલા ભારત માટે આ સિદ્ધિ બહુ મોટી છે. અભિનવ બિન્દ્રા બાદ નીરજ ચોપરાએ સીંધી આપેલો આ રસ્તો ભવિષ્યમાં અનેક ભારતીય યુવાનોને પ્રેરિત કરશે એ પણ વણશંકાની વાત છે.

મનમાં વારે-વારે એક બંધબેસતી પ્રખ્યાત પંક્તિ યાદ આવે છે :

“તું ભી હૈ રાણા કા વંશજ, ફેંક જહાઁ તક ભાલા જાએ!”

આજે નીરજે એ ભાલો ફેંક્યો છે.

આર્ટિકલ પસંદ પડ્યો હોય તો લીંક શેર કરીને ખુશખબરી આપના મિત્રોને પણ આપજો. ક્રિકેટ સિવાય આવું પણ દુનિયામાં છે એ જણાવજો. જય માતાજી!

YC