24 કલાકની અંદર જ અમદાવાદમાં હિટ એન્ડ રનની બીજી ઘટના, નરોડા પાટિયા પાસે જ કાર ચાલકે એક વ્યક્તિને ઉડાવી દીધો, યુવકનું થયું મોત 

ગુજરાતમાં હિટ એન્ડ રનના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં રસ્તા પર બેફામ ગતિએ વાહન હંકારીને રાહદારીઓને અડફેટમાં લેવામાં આવતા હોય છે. આવા ઘણા કિસ્સાઓમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે તો કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે અને વાહન ચાલક ટક્કર મારીને પણ ફરાર થઇ જતા હોય છે. ત્યારે અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાકની અંદર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

ગત રોજ એક ઘટના સામે આવી હતી જેમાં વૈભવી BMW કાર ચાલકે વૉક કરવા માટે નીકળેલા એક દંપતીને અડફેટમાં લીધું હતું. જેમાં દંપતી ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. જયારે કાર ચાલક ટક્કર મારીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો અને દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ભાગી ગયો હતો. કારમાંથી પોલીસને દારૂની બોટલ પણ મળી આવી હતી.

ત્યારે હાલ વધુ એક હિટ એન્ડ રનની ઘટના અમદાવાદના નરોડા પાટિયા નજીકથી સામે આવી છે. જ્યાં એક અજાણ્યા વાહન ચાલકે બાપુનગરના એક યુવકને ટક્કર મારી હતી અને પછી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં અકસ્માતનો ભોગ બનેલા યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે ઘટના સ્થળ પર હાજર લોકોએ પોલીસને તાત્કાલિક જાણ કરી દીધી હતી અને પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પણ દોડી આવી હતી.

પોલીસે ઘટના અંગે મૃતકના પરિવારજનોને જાણ કર્યા બાદ મોતને ભેટેલા યુવકની લાશને પોસ્ટરમોર્ટમ માટે ખસેડી હતી. જેના બાદ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લઈને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા પણ વાહન ચાલકની શોધખોળ કરી રહી છે. ત્યારે હાલ આ હિટ એન્ડ રનની ઘટનાઓ સામાન્ય નાગરિકો માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે.

Niraj Patel