કોડીનારના 4 મિત્રો દીવમાં ફરવા ગયા, બરાબર નશો કર્યો અને નાગવા એરપોર્ટના ગેટમાં જ ગાડી અથડાવી..ગાડીનો નીકળ્યો કચ્ચરઘાણ, એક યુવાનનું મોત
ગુજરાતને અડીને આવેલા દીવ, દમણ અને આબુમાં ગુજરાતીઓનો ઘસારો હંમેશા રહેતો હોય છે. વિકેન્ડ હોય ત્યારે એક-બે દિવસ ફરવા જવા માટે આ જગ્યાઓને લોકો વધારે પસંદ કરતા હોય છે. ત્યાં જવા પાછળ ઘણા લોકોનું કારણ એ પણ છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને ત્યાં નથી જેના કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડતા હોય છે.
ત્યારે ઘણીવાર એવું પણ થતું હોય છે કે આવા સ્થળો પર દારૂની છૂટછાટ હોવાના કારણે કેટલાક લોકો હદપાર નશો કરે છે અને નશામાં જ ભાન ભૂલીને અકસ્માત પણ સર્જતાં હોય છે. ત્યારે હાલ એવી જ એક ખબર દીવથી સામે આવી છે. જ્યાં 4 મિત્રો ફરવા માટે ગયા હતા અને ડ્રાઈવરે દારૂના નશામાં કાર પરનો કાબુ ગુમાવતા કાર નાગવા એરપોર્ટના મુખ્ય દરવાજા સાથે અથડાઈ હતી. જેમાં એક યુવક મોતને ભેટ્યો.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કોડીનારના ચાર મિત્રો ભેગા થઈને સંઘ પ્રદેશ દીવના નાગવા બીચ પર ગયા હતા. તે દરમિયાન નાગવાથી દીવ તરફ જતા કાર ચલાવી રહેલો એક સિંધી યુવાન પરેશ પરમાનંદ બજાજ નશામાં ચકચૂર હતો અને આ દરમિયાન જ તેને કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી જ એરપોર્ટના મુખ્ય દરવાજાના બે પિલર અને લોખંડના ગેટ સાથે ધડાકા ભેર અથડાઈ હતી.
આ અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. જેમાં કાર ચલાવી રહેલા પરેશ નામના યુવાનનું મોત નીપજ્યું હતું. જયારે બાકીના ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સમગ્ર મામલે દીવ પોલીસે ડ્રાઈવર સેનકી વિજય બજાજને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ચેક કરતા 137 પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી, નશો કરીને અકસ્માત સર્જવા અને સરકારી મિલકતને નુકશાન પહોંચાડવાના મામલામાં કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.