ભારતમાં કિલ્લાઓની કોઈ કમી નથી. અહીં એકથી એક ભવ્ય અને પ્રાચીન કિલ્લાઓ આવેલા છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. આજે અમે તમને આવા જ એક કિલ્લા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ભારતમાં હાજર તમામ કિલ્લાઓમાં સૌથી જૂનો કિલ્લો માનવામાં આવે છે. તે કાંગડા કિલ્લા તરીકે ઓળખાય છે, જે હિમાચલ પ્રદેશમાં આવેલો છે. 463 એકરમાં ફેલાયેલો આ કિલ્લો હિમાચલના કિલ્લાઓમાં સૌથી મોટો છે. આ કિલ્લો કોઈ રહસ્યથી ઓછો નથી, કારણ કે આજ સુધી તેને ક્યારે બાંધવામાં આવ્યા છે તે કોઈ જાણી શક્યું નથી.
તમને જણાવી દઈએ કે આ કિલ્લાનો ઉલ્લેખ એલેક્ઝાન્ડર ધ ગ્રેટના યુદ્ધના રેકોર્ડમાં પણ જોવા મળે છે, જે ચોથી સદી પૂર્વે તેનું અસ્તિત્વ સાબિત કરે છે. એવું માનવામાં આવે છે કે તે કાંગડા રાજ્ય (કટોચ રાજવંશ)ના રાજપૂત પરિવાર દ્વારા આ કિલ્લાનું બાંધ કામ કરવામાં આવ્યું હતું, જેમણે પોતાને પ્રાચીન ત્રિગત સામ્રાજ્યના વંશજો હોવાના પુરાવા આપ્યા હતા. તમને જણાવી દઈએ કે, ત્રિગત સામ્રાજ્યનો ઉલ્લેખ મહાભારતમાં પણ જોવા મળે છે.
નોંધનિય છે કે, કાંગડા કિલ્લાનો ઈતિહાસ એકદમ રસપ્રદ છે. 1615 એડીમાં મુઘલ બાદશાહ અકબરે આ કિલ્લાને જીતવા માટે ઘેરાબંધી કરી હતી, પરંતુ તે આમાં નિષ્ફળ રહ્યો. આ પછી, અકબરના પુત્ર જહાંગીરે 1620 એડીમાં ચંબાના રાજાને (જે આ પ્રદેશના તમામ રાજાઓમાં સૌથી મોટા હતા) મજબૂર કરીને આ કિલ્લો પર કબજો કરી લીધો.
મુઘલ બાદશાહ જહાંગીરે સૂરજ મલની મદદથી પોતાના સૈનિકોને આ કિલ્લામાં પ્રવેશ કરાવ્યો હતો. 1789 એડીમાં આ કિલ્લો ફરી એકવાર કટોચ રાજવંશના અધિકાર ક્ષેત્રમાં આવ્યો. રાજા સંસાર ચંદ દ્વિતિય એ આ પ્રાચીન કિલ્લાને મોગલો પાસેથી જીતી લીધો હતો.
તમને જણાવી દઈએ કે 1828 એડી સુધી આ કિલ્લો કાટોચો હેઠળ રહ્યો હતો, પરંતુ રાજા સંસાર ચંદ દ્વિતિય ના મૃત્યુ બાદ મહારાજા રણજીત સિંહે આ કિલ્લા પર કબજો કર્યો હતો. તે પછી તે 1846 સુધી શીખોની દેખરેખ હેઠળ રહ્યો અને બાદમાં તે અંગ્રેજોના હાથમાં આવ્યા.
4 એપ્રિલ 1905 ના રોજ એક તીવ્ર ભૂકંપ પછી અંગ્રેજોએ આ કિલ્લો છોડી દીધો હતો, પરંતુ તેનાથી કિલ્લાને ભારે નુકસાન થયું હતું. તેના કારણે ઘણી કિંમતી કલાકૃતિઓ અને ઇમારતો નાશ પામી હતી, પરંતુ હજુ પણ આ કિલ્લો પોતે ઇતિહાસના ઘણા રહસ્યોને સંઘરીને ઉભો છે. આજે પણ જે લોકો તેને જોવા આવે છે તેઓ પ્રાચીન ભારતીય સ્થાપત્યના અદ્ભુત પુરાવા જોઈને આશ્ચર્યચકિત થાય છે.