સૈફ અલી ખાન પર હુમલો કરવાવાળો આરોપી પોલિસ સકંજામાં, પૂછપરછમાં જોડાઇ પોલિસ

મુંબઈ પોલીસે સૈફ અલી ખાન હુમલા કેસમાં કથિત આરોપીની ધરપકડ કરી છે. આરોપી બાંદ્રા રેલ્વે સ્ટેશન નજીક સીસીટીવીમાં જોવા મળ્યો હતો. મુંબઈ પોલીસે આરોપીને પકડવા માટે શહેરભરમાં છટકું ગોઠવ્યું અને અંતે પોલીસે કથિત આરોપીની ધરપકડ કરી અને તેને થાણે સ્ટેશન લઈ ગઈ. મુંબઈ પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેની તસવીર પણ સામે આવી છે. જ્યારે પોલીસ આરોપીને સ્ટેશનની અંદર કારમાંથી બહાર કાઢી રહી હતી, ત્યારે તે અકડમાં દેખાઇ રહ્યો હતો. કથિત આરોપીના ચહેરા પર કોઈ ડર દેખાતો નહોતો.

હાલમાં આરોપીને થાણે સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે અને અહીં તેની પૂછપરછ કરવામાં આવી શકે છે. આ પહેલા મુંબઈ પોલીસે પુષ્ટિ કરી હતી કે સૈફ પર હુમલામાં સામેલ આરોપી છેલ્લે બાંદ્રા રેલ્વે સ્ટેશન નજીક જોવા મળ્યો હતો. પોલીસને શંકા છે કે ઘટના પછી શંકાસ્પદ વ્યક્તિ સવારે પહેલી લોકલ ટ્રેન પકડીને વસઈ વિરાર તરફ ગયો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓને પકડવા માટે, ટીમોએ વસઈ, નાલાસોપારા અને વિરાર વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. વહેલી સવારે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે તેમણે સૈફની પીઠમાંથી કાઢવામાં આવેલ બ્લેડના એક ભાગનો કબજો મેળવી લીધો છે, જ્યારે બાકીના ભાગને મેળવવા માટે હજુ પણ પ્રયાસો ચાલુ છે.

જણાવી દઇએ કે, આરોપી 16 જાન્યુઆરીની રાત્રે બાંદ્રા વેસ્ટમાં અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઇરાદાથી ઘૂસ્યો હતો, આ દરમિયાન તેણે પહેલા ઘરમાં હાજર મેડ સાથે ઝઘડો કર્યો, પછી સૈફ અલી ખાન ત્યાં પહોંચ્યા અને ઝપાઝપી શરૂ થઈ. આરોપીએ સૈફ પર છરી વડે અનેક વાર કર્યા. આ હુમલામાં સૈફ અલી ખાનને 6 જગ્યાએ ઈજા થઈ હતી.

Shah Jina