મતદાન બાદ કર્મીઓને લઇ જઇ રહેલી બસમાં લાગી ભીષણ આગ, લોકોએ સળગતી બસમાંથી કૂદીને બચાવ્યો જીવ- EVM પણ હતુ બસમાં

મધ્યપ્રદેશમાં મતદાન બાદ કર્મચારીઓને પરત લાવી રહેલ બસમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના બેતુલ લોકસભા મતવિસ્તારની છે. મંગળવાર 7 મેના રોજ આ બસ છ મતદાન કેન્દ્રના કર્મચારીઓને લઈને બેતુલના મુખ્યાલય આવી રહી હતી, ત્યારે રસ્તામાં આ ઘટના બની. આ અકસ્માતમાં તમામ મતદાન કર્મચારીઓ સુરક્ષિત છે.

આગ સમયે બસમાં EVM અને VVPAT પણ રાખવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેમને બસમાંથી બહાર કાઢ્યા. રીપોર્ટ્સ અનુસાર, આ ઘટના બેતુલના સાઈખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મતદાન કર્મીઓ ચૂંટણી પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. એકાએક ચાલતી બસમાં આગ લાગી. એવું કહેવાય છે કે બસ ડ્રાઇવર અને મતદાન કર્મચારીઓએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

લોકોએ તરત જ પોલીસને જાણ કરી. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બેતુલ, મુલતાઈ અને આઠનેરથી ફાયર બ્રિગેડને બોલાવી. બસમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી અને અંદર રાખવામાં આવેલ મતદાન સામગ્રીને બહાર કાઢવામાં આવી. મતદાન સ્ટાફ અને EVM-VVPAT મશીનો લાવવા માટે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રીપોર્ટ્સ અનુસાર, કેટલાક મશીનો બળી ગયા છે. તેમની સાથે રાખેલો સામાન અને કેટલીક બેગ પણ બળી ગઈ હતી. છ મતદાન ટીમો સાથે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવી પેટ હતી.

Shah Jina