9 મહિના જે માતાએ પોતાના દીકરાને કુંખમાં રાખ્યો એ દીકરાએ મોટો થઈને નિભાવ્યો પુત્રધર્મ, 10 વર્ષથી પેરાલીસીસથી પીડિત માતાની કરે છે સેવા, કહાની રડાવી દેશે

માતાની સેવા માટે દીકરાએ ખર્ચી નાખ્યા 10 વર્ષ, લગ્ન પણ ના કર્યા, પેરાલીસીસથી પીડિત માતાની વાતને બોલ્યા વિના જ સમજી જાય છે દીકરો, શ્રવણ કુમાર જેવા દીકરાને લાખ લાખ વંદન.. જુઓ તેમની કહાની

દરેક માતા પિતા પોતાના સંતાનો પાસે એક અપેક્ષા હંમેશા રાખતા હોય છે અને તે છે કે તેમના સંતાનો તેમના ઘડપણની લાકડી બને અને તેમને સહારો આપે. પરંતુ આજના સમયમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં સંતાનો દ્વારા માતા પિતાને તરછોડી દેવામાં આવે છે અથવા તો વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવે છે. આજના સંતાનો પાસે માતા પિતાની સેવા કરવાનો પણ સમય નથી હોતો.

માતા પિતાને જયારે ઘડપણ આવે છે ત્યારે તેમની સેવા ચાકરી કરવી પડે છે, પરંતુ આજના સમયમાં દીકરાઓ પાસે એવી સેવા ચાકરી કરવાનો પણ સમય નથી, પરંતુ હાલ જે કહાની સામે આવી છે તે જાણીને તમે પણ એ દીકરાને સલામ કરશો. આ કહાનીને લેખક શૈલેષ સગપરિયાએ તેમના સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે, જે ખુબ જ વાયરલ થઇ રહી છે. (નીચેની તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ગરવી ગીરની ગોદમાં આવેલા બરડીયા ગામના વતની કૌશિકભાઈ પેથાણીના માતુશ્રી લીલાબેનને દસ વર્ષ પહેલાં કમરના દુખાવા બાદ પેરાલિસિસનો એટેક આવ્યો. ખૂબ સારવાર કરાવ્યા બાદ પણ લીલાબેનની સ્થિતિમાં કોઈ વિશેષ સુધારો ના થયો. પેરાલિસિસને કારણે લીલાબેન પથારીવશ થઈ ગયા. પોતાની કોઈ જ ક્રિયા એ જાતે કરી શકે એવી સ્થિતિમાં ન હતા. પેશાબ-પાણી કરવાના હોય, જમવાનું હોય કે બીજી કોઇપણ સામાન્ય ક્રિયા હોય તેના માટે લીલાબેનને બીજાની મદદની જરૂર પડે.

લીલાબેનની આવી કપરી સ્થિતિમાં સારવારની સંપૂર્ણ જવાબદારી નાના દીકરા કૌશિકે ઉપાડી. જે માએ મને 9 મહિના પોતાના પેટમાં રાખ્યો અને મને ખૂબ પ્રેમથી ઉછેર્યો એ માની વિકટ સ્થિતિમાં મારે મમ્મીની સાથે રહેવું છે એવો કૌશિકભાઈએ સંકલ્પ કર્યો. માતાની સેવા કરવાનો માત્ર સંકલ્પ કર્યો એટલુ જ નહિ, છેલ્લા 10 વર્ષથી ઉમંગ અને ઉત્સાહ સાથે એ માતાની સેવા કરી રહ્યા છે.

છેલ્લા 10 વર્ષથી આ યુવાને પોતાની માતાને પોતાનાથી અળગા થવા દીધા નથી. માતાને છોડીને એ કોઈ મોટા સામાજિક પ્રસંગોમાં કે બહારગામ પણ જતા નથી. ભર યુવાનીના 10 વર્ષ એણે માતાની સેવામાં સમર્પિત કરી દીધા છે. મમ્મીનું તમામ કામ કોઇપણ જાતના સંકોચ વગર આ યુવાન દીકરો કરી રહ્યો છે. લીલાબેન સાંભળી શકે છે પણ બોલી શકતા નથી એટલે શરૂઆતમાં તો મમ્મી શું કહેવા માંગે છે એ સમજવામાં પણ બહુ મુશ્કેલી પડતી હતી પરંતુ 10 વર્ષના અનુભવ બાદ હવે તો માત્ર મમ્મીની આંખનો ઈશારો જોઈને પણ સમજી જાય છે કે મમ્મીને શું કહેવું છે.

મમ્મીને ક્યારે પેશાબ કરવા જવું છે ? ક્યારે શૌચ માટે જવું છે ? ક્યારે પાણી પીવું છે ? ક્યારે જમવું છે ? આ બધી જ બાબતોની કૌશિકભાઈને ખબર પડી જાય છે. કોઈ ક્રિયામાં સહેજ પણ વિલંબ ન થાય એ માટે દીકરો પૂરી તકેદારી રાખે છે જેથી માને સહેજ પણ તકલીફ ન પડે. આવી સ્થિતિમાં દર્દીને સમયસર દવા મળે એ બહુ જરૂરી છે. દવા આપવાનો સમય ચૂકાઈ ન જાય એટલે શરૂઆતમાં કૌશિકભાઈ મોબાઈલમાં દવાના સમય માટે રીમાઇન્ડર સેટ કરીને રાખતા જેથી ક્યાંય બહાર નીકળ્યા હોય તો પણ એલાર્મ વાગતા તરત જ ઘરે પહોંચી જાય.

કૌશિકભાઈ જ્યાં પણ જાય મમ્મીને હંમેશા સાથે જ લઈ જાય છે. સુરતમાં કૌશિકભાઈનું ગેરેજ પણ છે તો થોડો સમય માટે સુરત મોટાભાઈ સાથે રહેવા માટે જાય ત્યારે મમ્મીને પણ સાથે લઈ જાય. મોટાભાઈ સહિતનો પરિવાર પણ મમ્મીની સેવા કરવા ખડેપગે હોય છે પણ કૌશિકભાઈ મમ્મીની નાની નાની વાતને વગર બોલ્યે તરત જ સમજી જતા હોવાથી મમ્મીની સેવા એ જ કરે છે. મમ્મી આરામમાં હોય ત્યારે ગેરેજ પર કામ કરી આવે ફરી પાછા મમ્મીની સેવામાં હાજર થઈ જાય. સુરત થોડા મહિના રહ્યા પછી ફરીથી મમ્મીને ઈચ્છા થાય કે હવે ગામડે જવું છે એટલે મમ્મીને લઈને ફરી ગામડે આવી જાય.

કૌશિકભાઈની ઉંમર અત્યારે 35 વર્ષ ઉપર થઈ ગઇ છે. પરિવારજનોએ લગ્ન કરવા ખૂબ વિનંતી કરી પરંતુ માતાની સેવા કરવા માટે એ લગ્ન કરવા તૈયાર નથી થતા. એમને મનમાં ઊંડે ઊંડે ભય છે કે કદાચ ઘરમાં આવનારી સ્ત્રી મમ્મીની સેવામાં મને સાથ ન આપે તો ? લગ્ન બાદ સામાજિક સંબંધોને નિભાવવા જતા મમ્મીની સેવામાં વિક્ષેપ ઊભો થશે તો ? આવા છુપા ભયને કારણે એ લગ્ન પણ નથી કરતા કારણ કે એમના માટે પોતાના અંગત સુખ કરતા મમ્મીનું દુઃખ હળવું થાય એ વધુ મહત્વનું છે.

કૌશિકભાઈ જેવા દીકરાને જોઈએ ત્યારે એમ થાય કે શ્રવણ આજે પણ જીવે છે. કૌશિકભાઈની આ માતૃસેવા બદલ વંદન અને ભગવાન એમને માતૃસેવામાં સહયોગી થાય એવા જીવનસાથી આપે એવી પ્રાર્થના. (સાભાર: શૈલેષ સગપરિયા)

Niraj Patel