સવાર સવારમાં કંપી અહીંની ધરતી, ભીષણ ભૂકંપથી 296 લોકોના મોત, સેંકડો લોકો ઘાયલ, 6.8ની તીવ્રતાથી બિલ્ડિંગ પણ ધરાશાયી

અહીં આવ્યો જોરદાર ભૂકંપ, મોટા પાયે મચી તબાહી, અત્યાર સુધી 296 લોકોના મોત

Earthquake In Morocco : આફ્રિકન દેશ મોરોક્કોમાં વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. ધરતીમાં આવેલા આંચકા બાદ ઘણી ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ હતી, અત્યાર સુધી 296 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપની તીવ્રતા 6.8 હોવાનું કહેવાય છે. ઘટના બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે, મૃત્યુઆંક હજુ વધી શકે છે.

સવાર સવારમાં કંપી મોરક્કોની ધરતી
ભૂકંપનું કેન્દ્ર મોરોક્કોના મારકેશ શહેરથી લગભગ 70 કિમી દૂર હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર મરાકેશથી લગભગ 350 કિલોમીટર દૂર રાજધાની રબાતમાં પણ અનુભવાઈ હતી. ભારતીય સમય અનુસાર સવારે 3.41 કલાકે ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ઉત્તર આફ્રિકામાં 120 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.

ભીષણ ભૂકંપથી 296 લોકોના મોત
USGS એ જણાવ્યું કે 1900થી, આ વિસ્તારના 500 કિમી વિસ્તારમાં M6 અથવા તેનાથી મોટો કોઈ ભૂકંપ આવ્યો નથી. અહીં M-5 લેવલના માત્ર 9 ભૂકંપ નોંધાયા છે. ભૂકંપના કારણે ઘણી જૂની ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ. ભૂકંપ સંબંધિત ચોંકાવનારા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. પ્રશાસનની સાથે સાથે લોકોએ પણ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ દુઃખદ ક્ષણમાં મારી સંવેદના મોરોક્કોના લોકો સાથે છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.

આ પહેલા 1980માં આવ્યો હતો જોરદાર ભૂકંપ
ઉલ્લેખનીય છે કે, 1980માં, મોરોક્કોના પાડોશી દેશ અલ્જેરિયામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 2500 લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 3 લાખ લોકો બેઘર થયા હતા. જણાવી દઇએ કે, આવો વિનાશકારી ભૂકંપ તાજેતરમાં તુર્કીમાં અનુભવાયો હતો, જેમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા હતા. 6 ફેબ્રુઆરી 2023એ તુર્કીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.

Shah Jina