મોરબીમાં મકાનમાં રાંધણગેસ સિલિન્ડર લીક થયા બાદ પ્રચંડ ધડાકો થયો, 3 લોકોને ઇજા- તસવીરો જોઇને કંપી જશો
ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા કિસ્સા સામે આવે છે કે કોઇ પણ તેને સાંભળી કે જોઇ ચોંકી જાય. ત્યારે હાલમાં જ એક મામલો સામે આવ્યો મોરબીમાંથી, જેમાં એક રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે.આ દરમિયાન પરિવારના ત્રણ સભ્યો દાઝી જવાની ખબર છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સીમાં ગત રોજ સવારે એક મકાનમાં બ્લાસ્ટ થયો હતો. જે પછી મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ અને એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. જ્યારે ગૃહિણીઓ ઘરકામમાં વ્યસ્ત હતી ત્યારે અચાનક જ જાણે એક મકાનમાં બોમ્બ ફૂટ્યો હોય એવો પ્રચંડ ધડાકો થયો અને આખી છત દીવાલથી છૂટી પડી ગઈ.
આ ઉપરાંત દીવાલની ઈંટ અને પ્લાસ્ટર સહિતનો કાટમાળ નીચે પડ્યો અને ઘરમાં આગ પણ ફાટી નીકળી. આ દુર્ઘટનામાં ત્રણ વર્ષની બાળકી અને તેના પિતા સહિત 3ને ઈજા પહોંચી હતી. ઉમા રેસીડન્સી 2 વિસ્તારમાં રહેતા કાનજીભાઈ ગરચરના ઘરના પહેલા માળે પ્રચંડ ધડાકો થયો હતો. જેને કારણે છતનો ભાગ ગંભીર રીતે ક્ષતિ ગ્રસ્ત થયો હતો.
કાટમાળ ગ્રાઉન્ડ ફ્લોર પર પડવાને કારણે ત્રણ વર્ષની બાળકી ક્રિષા, કાનજીભાઈ ગરચર તેમજ કાનજીભાઈના ભાભી વૈશાલીબેનને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ મોરબી પોલીસની ટીમને થતા તે પણ દોડી ગઇ હતી અને ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં તો એ સામે આવ્યુ છે કે ઘરનો ગેસ સીલીન્ડર લીકેજ થયા બાદ ગેસ ઘરના ઉપરના માળે પ્રસરી ગયો હતો અને રૂમ બંધ હોવાને કારણે ગોળો બની ગયો.
જો કે ઘટનાનું સાચું કારણ જાણવા એફએસએલટીમની મદદ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક મીડિયા અહેવાલોમાં મકાનમાં રહેલ ગેસ ગીઝર ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું કહેવાઇ રહ્યુ છે, જ્યારે બ્લાસ્ટને કારણે આસપાસના 3 મકાનોમાં નુકસાન થયાની માહિતી પણ મળી છે. આ ઉપરાંત એક પ્રાથમિક અનુમાન છે કે ઘરમાં ગેસ સિલિન્ડર બદલવામાં આવ્યો હતો અને ગેસ લીકેજ થયો હોવાથી આ બ્લાસ્ટ થયો હોઇ શકે છે.