ભારતીય રિવાજોનું મહત્વ વિદેશીઓમાં પણ છવાયું, સાત સમુદ્ર પાર કરી અને વિદેશી કપલ આવ્યું ભારતમાં લગ્ન કરવા, જુઓ શાનદાર તસવીરો

એવું કહેવાય છે કે જોડીઓ તો ભગવાનના ઘરે જ બનતી હોય છે, બસ ધરતી ઉપર તો તેમનો મેળાપ થતો હોય છે. ત્યારે તમે ઘણા વિદેશી યુગલોને પણ ભારતીય રીતિ રિવાજોથી પ્રેરાઈને લગ્ન કરતા જોયા હશે. ભારતીય રીતિ રિવાજ અને પરંપરાઓ વિશ્વભરમાં એક અલગ નામના ધરાવે છે, જેનું એક તાજું જ ઉદાહરણ હાલ જોવા મળ્યું, જેમાં એક મેક્સિકન કપલે ભારતમાં આવીને ભારતીય રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા. જેની તસવીરો પણ હાલ વાયરલ થઇ રહી છે.

મેક્સિકો સિટીના એક પ્રેમી યુગલે આગ્રામાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમણે અગ્નિના સાત ફેરા લીધા અને શિવ મંદિરમાં હિંદુ વિધિ મુજબ લગ્ન કર્યા. આ દરમિયાન વિદેશી યુગલ સાથે આવેલા વિદેશી મિત્રો અને ભારતના અનેક શુભચિંતકો વિદેશી યુગલના વરઘોડામાં જોરદાર નાચ્યા હતા.

મેક્સિકોના ક્લાઉડિયા અને સર્જિયો 10 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં હતા અને ભારતમાં હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવા માગતા હતા. ક્લાઉડિયા થોડા સમય પહેલા બનારસ આવી હતી, ત્યારબાદ તે ભારતીય પરંપરા અને સંસ્કૃતિ સાથે ખૂબ જ જોડાયેલી થઈ ગઈ હતી. જે બાદ તેણે નક્કી કર્યું કે તે ભારત દેશમાં જ હિંદુ રીતિ-રિવાજથી લગ્ન કરશે. જે બાદ તે મેક્સિકો પાછી ગઈ અને તેના પ્રેમી સરજીયોને આ વાતનો ઉલ્લેખ કર્યો, ત્યારબાદ પ્રેમી તેની વાત માની ગયો અને ભારત આવીને હિંદુ રીતિ-રિવાજથી લગ્ન કરવા તૈયાર થઈ ગયો.

સર્જિયો અને ક્લાઉડિયા 7 સપ્ટેમ્બરના રોજ આગ્રા આવ્યા અને તેમના મિત્ર અને પ્રિયા હોટેલના સંચાલક ગૌરવ ગુપ્તાનો સંપર્ક કર્યો અને તેમને કહ્યું કે તેઓ હિંદુ વિધિ પ્રમાણે લગ્ન કરવા માગે છે. જે બાદ ગૌરવ ગુપ્તાએ તેમની સૂચના મુજબ ફતેહાબાદના એક શિવ મંદિરમાં લગ્નની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. અને સર્જિયો અને ક્લાઉડિયાના મિત્રો અને સંબંધીઓની 20 સભ્યોની ટીમ 13 સપ્ટેમ્બરે યોજાનારા લગ્ન સમારોહમાં હાજરી આપવા આગ્રા પહોંચી હતી, જ્યારે 25 સ્થાનિક શુભેચ્છકોએ પણ લગ્નમાં હાજરી આપી હતી.

શિવ મંદિર સુધી નાચતા અને ગાતા વરરાજા બનેલો સાર્જિયો પહોંચ્યો. જ્યાં દુલ્હન બનેલી ક્લાઉડિયા તેની રાહ જોઈ રહી હતી. બંને મંડપમાં બેઠા કે તરત જ સ્થળ પર હાજર પંડિતજીએ વૈદિક મંત્રોનો જાપ શરૂ કર્યો. આખા મંત્રોચ્ચાર વચ્ચે પંડિતે તેમને સાત ફેરા લેવાનું કહ્યું. ક્લાઉડિયા લાલ રંગના જોડામાં સજ્જ હતી, જ્યારે સાર્જિયો ક્રીમ રંગની શેરવાની અને સાફામાં છવાઈ ગયો હતો. અહીં બંનેના લગ્નમાં મેક્સિકોથી આવેલા મહેમાનો પણ ભારતીય પરંપરા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેઓ ખૂબ જ પ્રભાવિત પણ થયા હતા.

Niraj Patel