આજે ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ઘણી એવી ફિલ્મો પણ બની ગઈ છે જેમને નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. એવી જ એક ફિલ્મ હતી “હેલ્લારો”. જેને પણ ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા. આ ફિલ્મમાં ઢોલીનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા જયેશ મોરેના અભિનયના પણ ખુબ જ વખાણ કરવામાં આવ્યા. તેમને પણ આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત થયો. ત્યારે હવે જયેશ મોરે વધુ એક એવી ધમાકેદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે.
જયેશ મોરે આમ તો મરાઠી છે, પરંતુ તેઓ ઘણા વર્ષોથી ગુજરાતની અંદર સ્થાયી થયા છે અને હવે પાક્કા ગુજરાતી પણ બની ગયા છે. જયેશ મોરે મોટાભાગે ગુજરાતી ફિલ્મોમાં પોલીસ ઈન્સ્પેક્ટરના રોલમાં જ જોવા મળશે. તે પોતે પણ કહે છે કે મને મોટાભાગની ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેક્ટરનો જ રોલ ઓફર કરવામાં આવે છે. જો કોઈ ફિલ્મમાં અન્ય અભિનેતા ઇન્સ્પેકટર તરીકે હોય તો તેમને પણ કહેવામાં આવે છે કે જયેશ મોરે જેવો પોલીસવાળો જોઈએ.
ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં જયેશ મોરેનું યોગદાન ખુબ જ રહ્યું છે. તેમને અત્યાર સુધી ગુજ્જુભાઈ સિરીઝ, મિજાજ, પાસપોર્ટ, રોંગ સાઈડ રાજુ, હેલ્લારો જેવી ઘણી બધી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. આ ઉપરાંત તેઓ સબ ટીવી ઉપર આવતી ભાખરવડી ધારાવાહિકમાં પણ મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા છે.
ત્યારે હવે જયેશ મોરે એક લીડ અભિનેતા તરીકે આવનારી ફિલ્મ “મેડલ”માં જોવા મળવાના છે. આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે અને થોડા જ સમયમાં આ ફિલ્મના ટીઝરના 1 મિલિયન એટલે કે 10 લાખ કરતા પણ વધારે વ્યૂઝ આવી ચુક્યા છે. ત્યારે ગુજરાતી દર્શકોમાં પણ આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મેડલ ફિલ્મને ધ્રુવિન શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. જે નવકાર પ્રોડક્શન હેઠળ નિર્મિત છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા જયેશ મોરે ઉપરાંત કિંજલ રાજપ્રિયા, મૌલિક નાયક, હેમાંગ દવે, ચેતન દૈયા સિવાય બીજા ઘણા કલાકારો પણ જોવા મળવાના છે. ફિલ્મના ટીઝર દ્વારા જ ફિલ્મ કેટલી જબરદસ્ત છે તેનો અંદાજો લગાવી શકાય છે.
જયેશ મોરેએ ગુજરાતના સુપ્રસિદ્ધ નાટક “વેલકમ જિંદગી”માં પણ લીડ રોલ કર્યો છે, આ ઉપરાંત તેમને બોલીવુડની સુપરહિટ ફિલ્મ જયેશભાઇ જોરદારમાં પણ નોંધપાત્ર અભિનય કર્યો છે. આ સિવાય તે બોલીવુડની કેટલીક ફિલ્મોમાં નાના પાત્રોમાં પણ જોવા મળ્યા છે જેમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ અભિનીત ફિલ્મ “ઓહ માય ગોડ”નો પણ સમાવેશ થાય છે.
જયેશ મોરે દ્વારા અભિનીત “રોન્ગ સાઈડ રાજુ” ફિલ્મ 64માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં વિજેતા બની હતી, આ ઉપરાંત તેમની “હેલ્લારો” ફિલ્મે તો એવોર્ડની વણઝાર લાવી દીધી. 66માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં આ ફિલ્મ બેસ્ટ ફીચર ફિલ્મ ઉપરાંત સ્પેશિયલ ઝૂરી એવોર્ડ પણ મેળવી ચુકી છે. સાથે જ ક્રિટીક ચોઈસ ફિલ્મ એવોર્ડ માટે અભિનેતા જયેશ મોરેને બેસ્ટ ગુજરાતી અભિનેતા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મે ક્રિટીક ચોઈસ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકેનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
ત્યારે હવે આવનારી ફિલ્મ “મેડલ” પણ નેશનલ એવોર્ડ માટે સબમિટ કરી દેવામાં આવી છે. જેના ઉપર પણ આશાઓ મંડાયેલી છે. કારણ કે આ ફિલ્મની વાર્તા જ એ પ્રકારની છે જે છેવાડાના વિસ્તારની કહાની રજૂ કરી રહી છે. સાથે જ આ ફિલ્મમાં જયેશ મોરેનો અભિનય પણ દિલ જીતી લે તેવો છે.
આ ફિલ્મના તમામ પાત્રોએ જાણે કે આ ફિલ્મના અભિનયમાં પોતાનો જીવ રેડી દીધો હોય તેમ ટીઝરમાં જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાથે જ આ ફિલ્મમાં ઘણા બાળ કલાકારોના અભિનય પણ ખુબ જ સરાહનીય છે. ત્યારે હવે દર્શકોને પણ 7 સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની પ્રતીક્ષા છે.