અમદાવાદના કિરણ પટેલ બાદ વધુ એક ઠગ વડોદરાથી ઝડપાયો, PMOનો અધિકારી બનીને પારુલ યુનિવર્સીટીના ટ્રસ્ટીઓને બાટલીમાં ઉતારવા જતો હતો

MCA થયેલા વ્યક્તિએ PMOનો નકલી અધિકારી બનીને પારુલ યુનિવર્સીટીના સંચાલકોને ટોપી પહેરાવવાનો કર્યો પ્રયાસ, પણ પોલીસે ઝડપી પાડ્યો.. જાણો સમગ્ર મામલો

Mayank Tiwari fraud PMO officer vadodara : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લોકો સાથે ફ્રોડ થવાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં કેટલાક લોકો સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ રચીને કેટલાક લોકો પાસે લાખો રૂપિયાની છેતરપિંડી પણ કરતા હોય છે, થોડા સમય પહેલા અમદાવાદમાંથી એક એવા જ ઠગ કિરણ પટેલની ધરપકડ થઇ હતી, જે PMOનો અધિકારી બનીને ફરતો હતો.

ત્યારે હવે વડોદરામાંથી તેના જેવા જ વધુ એક ઠગની ધરપકડ કરવામાં આવી છે, જે પોતે PMOનો અધિકારી હોવાનો દાવો કરી પારુલ યુનિવર્સીટીના ટ્રસ્ટીઓને છેતરવા માંગતો હતો. આ ઠગનું નામ છે મયંક તિવારી. જે MCA ડિગ્રી ધારી છે. જેની વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મયંક લાંબા સમયથી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીના રડારમાં હતો.

પોતે PMO અધિકારી છે એવી ઓળખ આપીને મયંકે પારુલ યુનિવર્સીટીની ટ્રસ્ટની સ્કૂલમાં મિત્રના બે સંતાનોને એડમિશન પણ અપાવ્યા હતા. જેના બાદ ટ્રસ્ટીઓને એજ્યુકેશન કામગીરીની મંજૂરી આપવાનું નામ લઈને પૈસા પડાવવાનો કારસો પણ રચ્યો હતો. ત્યારે અમદાવાદના ઠગ કિરણ પટેલની ધરપકડ થયા બાદ પારુલ યુનિવર્સટીના ટ્રસ્ટીઓને મયંક પર પણ શંકા ગઈ હતી.

ત્યારબાદ સંચાલકો દ્વારા મયંક વિરુદ્ધ ખાનગી રીતે પોલીસ સહીત ઉચ્ચસ્તરે પણ જાણ કરવામાં આવી હતી. જેના બાદ પોલીસની તેના પાર નજર હતી. ત્યારે હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ હવે તેની પુછપરછ કરીને એ તપાસ કરી રહી છે કે તેને અત્યાર સુધી આ રીતે કેટલા લોકોને બાટલીમાં ઉતાર્યા. ત્યારે પોલીસ પુછપરછમાં હવે ઘણા ખુલાસા થવાની પણ સંભાવના છે.

Niraj Patel