“મિશન જીતીને વહેલો પાછો આવી જઈશ..” હજુ તો દીકરાએ આગલી રાત્રે જ પરિવાર સાથે ફોન પર કરી હતી વાત અને બીજા દિવસે મળ્યા શહાદતના સમાચાર… રડાવી દેનારી કહાની
Martyr Pramod Negi Last Call: માતૃભૂમિની રક્ષા કરવા માટે દેશના જવાનો દિવસ રાત સરહદ (border) પર ફરજ બજાવતા હોય છે. ઘણીવાર દુશ્મનો સામેની મુઠભેડમાં કેટલાય જવાનો માતૃભૂમિની રક્ષા કરતા કરતા શહીદ પણ થઇ જતા હોય છે. ત્યારે ગત 3 મેના રોજ રાજોરી સેક્ટરના કાંડી જંગલમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
5 મેના રોજ સવારે 7:30 વાગ્યે સુરક્ષા દળોને ગુફામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ ગુફા ઢાળવાળી ખડકોમાં બનેલી છે. જ્યારે સેનાના જવાનોએ ત્યાં પહોંચીને આતંકીઓને ભગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે બોમ્બ વિસ્ફોટ કર્યો. જેમાં 5 જેટલા જવાનો શહીદ થઇ ગયા હતા. તેમાં પ્રમોદ નેગી નામનો જવાન પણ શહીદ થયો. જેની કહાની આંખોમાં આંસુઓ લાવી રહી છે.
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલ્લાઇ ગામના પ્રમોદ નેગી બે વર્ષથી દેશની સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સમાં તૈનાત હતા. તેમની શહાદતના સમાચાર લગભગ 12.30 વાગ્યાની આસપાસ આવ્યા હતા. સેનાના અધિકારીઓએ આ અંગે સંબંધીઓને જાણ કરી હતી. શહીદીના સમાચાર મળતા જ સમગ્ર ગીરીપર વિસ્તાર શોકમાં ડૂબી ગયો હતો. શહીદ પ્રમોદ પોતાની પાછળ માતા તારા દેવી, પિતા દેવેન્દ્ર નેગી, નાનો ભાઈ નિતેશ નેગી અને મોટી બહેન મનીષાને છોડી ગયા છે. શહીદનો નાનો ભાઈ પણ ભારતીય સેનામાં પોસ્ટેડ છે.
આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. શિલાઈ પંચાયતના વડા શીલા નેગીએ જણાવ્યું કે શહીદ પ્રમોદ નેગી લગભગ 6 વર્ષ પહેલા ભારતીય સેનામાં જોડાયા હતા. તે હજુ અપરિણીત હતો. સિરમૌર સૈનિક કલ્યાણ બોર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર મેજર દીપક ધવને જણાવ્યું કે જવાનના શહીદ થયાની માહિતી મળી છે.
શહીદના પુત્ર પ્રમોદ નેગીએ મિશન પર જવાના થોડા કલાકો પહેલા તેની માતા સાથે ફોન પર વાત કરી હતી. પ્રમોદે કહ્યું હતું “મા…. જરૂરી મિશન પર જાઉં છું. કદાચ મોબાઈલ 10 દિવસ સુધી બંધ રહેશે, પરંતુ તમે ચિંતા કરશો નહીં. મિશન જીતીને ટૂંક સમયમાં જ પરત ફરીશ.” ગુરુવારે રાત્રે 11.30 વાગ્યાના સુમારે પાંચ-સાત મિનિટની વાતચીતમાં પ્રમોદે તેના માતા-પિતાની ખબર-અંતર પૂછ્યું અને તેના પિતા સાથે પણ થોડીવાર વાત કરી.
બીજા જ દિવસે લગભગ 12.30 વાગ્યે પરિવારને પુત્રની શહાદતના સમાચાર મળ્યા અને તેઓના હોંશ ઉડી ગયા. માતા તારા દેવી અને પિતા દેવેન્દ્ર નેગી માની શકતા ન હતા કે તેમનો વ્હાલો દીકરો હવે આ દુનિયામાં નથી, જેનો અવાજ રાત્રે મોબાઈલ પર તેમના કાનમાં ગુંજતો હતો. પુત્રની શહાદતથી માતા-પિતાના રડી રડીને હાલ બેહાલ છે.