ગુજરાતમાં અહીં હિન્દૂ યુવકને મસ્લિમ યુવતી સાથે થયો હતો પ્રેમ, લગ્ન કરીને શેર કર્યો વીડિયો, કહયું “હું ખુશ છું પણ….”

ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે, ત્યારે વડોદરા અને વલસાડમાં એક એક કેસ નોંધાયા છે, ત્યારે આણંદ જિલ્લાના ખંભાતમાંથી તેના વિપરીત જ એક કિસ્સો જોવા મળ્યો, જેમાં એક હિન્દૂ યુવકને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેના બાદ બંનેએ લગ્ન કરવાનો પણ નિર્ણય કરી અને લગ્નના બંધનમાં પણ બંધાઈ ગયા. પરંતુ હવે તેમને પોતાના જીવ ઉપર જોખમ હોવાથી પોલીસ પાસે પ્રૉટેક્શનની માંગણી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત તાલુકાના જૂની મંડાઈ સ્થિત સૈયદવાડા ખાતે રહેતી ફરમીનબાનુ મો. ફરુકાન સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે લગ્ન કરી લીધા છે. જે બાદ તેણે પોલીસ વડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને સ્વ અને પતિનું રક્ષણ માંગતી લેખિત અરજી કરી છે. યુવતીએ જણાવ્યું છે કે તેને પોતાની મરજીથી જ યુવક સાથે લગ્ન કર્યા છે અને હવે આ લગ્ન બાદ તેને પોતાના પિયર તરફથી તેના અને તેના પતિના જીવ ઉપર જોખમ છે.

આ બાબતે યુવતીએ અરજીમાં જણાવ્યું હતું કે, ફરમીનબાનુએ ગત 19મી જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા. 17મી જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર પહેરેલે કપડે ત્યજી દીધું હતું. હાલમાં તેના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોઈ, તેઓ તેમને છુટ્ટા પાડવા હિંસક પ્રયાસો કરી રહ્યા છે. તેને તેમજ તેના પતિ ઉત્કર્ષને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. જોકે તેણે હિંદુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હાલમાં દંપતી ભયભીત હોઈ ખંભાત છોડી સલામત સ્થળે આશરો લીધો હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ છે.

ફરમીનબાનુએ કરેલી અરજીમાં કેટલાક નામનો પણ ઉલ્લેખ કરેલો છે. જેના દ્વારા તેના અને તેના પતિના જીવને ખતરો હોવાનું પણ જણાવી રહી છે. તેમજ જો તેને અથવા તેના પતિને કઈ થશે તો તેની જવાબદારી અરજીમાં આપેલા નામ વાળા લોકોની રહેશે એમ પણ તેને જણાવ્યું છે.આ ઉપરાંત તેને એક 30 સેકેન્ડનો વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેને વીડિયોમાં જણાવ્યું છે કે તેને પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને આ લગ્નથી તે ખુબ જ ખુશ છે.

Niraj Patel