શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો પુત્ર આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસોથી જેલમાં છે. તેની જામીન અરજી ઘણીવાર ફગાવી દેવામાં આવી છે, ત્યારે આજે ફરી એકવાર બોમ્બે હાઇકોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી છે, જે બાદ નક્કી થશે કે આર્યન ખાન હવે જેલમાં જ રહેશે કે તે ઘરે જઇ શકશે. આર્યનની જામીન 20 ઓક્ટોબરે સેશંસ કોર્ટે ફગાવી દીધી હતી અને તે બાદ બોમ્બે હાઈકોર્ટમાં તેની જામીન અરજી કરવામાં આવી હતી, ત્યારે હવે એ જોવાનું રહ્યુ કે, આજે હાઇકોર્ટ આર્યનની જામીન મામલે શું ચુકાદો આપે છે.
આ બધા વચ્ચે હવે શાહરૂખ ખાન અને ગૌરી ખાને દીકરાના ઘરે આવ્યા બાદની યોજના બનાવી લીધી છે. બોલિવૂડ હંગામાના એક અહેવાલ મુજબ, શાહરૂખ અને ગૌરીની પુત્ર આર્યન જેલમાંથી ઘરે પાછા આવ્યા પછી બેથી ત્રણ મહિના માટે ઘરમાં બંધ રાખવાની યોજના છે. એક કૌટુંબિક મિત્ર આ મામલે જણાવે છે કે શાહરૂખ અને ગૌરીને ખબર નથી કે તેમના પુત્રનો શું દોષ છે, તેઓ તેને શક્ય તેટલી વહેલી તકે ઘરે લઇ જવા માંગે છે અને તેને થોડા મહિના માટે નજરકેદમાં રાખવા માંગે છે.
શાહરુખના નજીકના મિત્રએ કહ્યું હતું કે આર્યન કોઈ પાર્ટીમાં જઈ શકશે નહીં, લેટ નાઇટ બહાર નહીં નીકળી શકે, મિત્રો સાથે પણ ક્યાંય નહિ જઈ શકે. કોઈ જાતનું ગેટ-ટુ-ગેધર નહીં થાય. શાહરુખ તથા ગૌરીએ નક્કી કર્યું છે કે તેઓ આર્યન કોને કોને મળે, તે તમામ પર નજર રાખશે. શાહરૂખ અને ગૌરીએ આર્યન પર ઝીણવટભરી નજર રાખવાનું નક્કી કર્યું છે અને એ સુનિશ્ચિત કર્યું છે કે તે કોઈ પણ વ્યક્તિથી દૂર રહે જે તેના માટે સહેજ પણ મુશ્કેલી ઊભી કરી શકે.
શાહરૂખ ખાન અને તેમનો પરિવાર આર્યનની ધરપકડથી ખૂબ જ પરેશાન થઇ ગયા છે, શાહરૂખ ખાન ના તો ઠીકથી ખાઇ રહ્યા છે, ના તો સૂઇ રહ્યા છે. આ ઉપરાંત ગૌરી ખાને તો આર્યન ઘરે ન આવે ત્યાં સુધી મન્નતમાં મિઠાઇ ન બને તેનો પણ ઓર્ડર આપી દીધો હતો. શાહરૂખ અને ગૌરી દિવસ રાત આર્યન માટે પ્રાર્થના કરી રહ્યા છે.
શાહરૂખની મેનેજર પૂજા દદલાણી અને અભિનેતાનો બોડીગાર્ડ આજે હાઈકોર્ટમાં ખાન પરિવારનું પ્રતિનિધિત્વ કરશે. અગાઉની સુનાવણી દરમિયાન પણ પૂજા આર્યનની વકીલોની ટીમ સાથે કોર્ટમાં જતી હતી સોમવારે મોડી રાત્રે મુંબઈ પહોંચેલા ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પણ પુષ્ટિ કરી હતી કે તેઓ મંગળવારે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ તેમની જામીન અરજીમાં આર્યન માટે હાજર થશે. જસ્ટિસ નીતિન સાંબ્રે સમક્ષ થનારી સુનાવણીમાં સતીશ માનેશિંદે સાથે રોહતગી આર્યનના મુખ્ય વકીલ હશે.