સાવરકુંડલાના પીળેશ્વર મહાદેવના મંદિરના પૂજારી પાસે રોજ 3 ચિત્તાઓ આવીને સુવે છે? આ વાયરલ વીડિયોની હકીકત જાણીને હેરાન રહી જશો

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જ્યાં કોઈપણ ઘટના ક્ષણવારમાં વાયરલ થઇ જતી હોય છે. ઘણા એવા વીડિયો હોય છે જેમાં ઘણા લોકો પૂર્ણ સત્ય તપસ્યા વિના જ ફોરવર્ડ પણ કરી દેતા હોય છે અને ઘણીવાર આવા ફોરવર્ડ વીડિયો મુસીબતનું પણ કારણ બનતા હોય છે. ઘણા વાયરલ વીડિયો ફેક્ટ ચેકમાં તપાસ થતા તેની સત્યતા બહાર આવે છે.

હાલ ગુજરાતની અંદર સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે “ગુજરાતમા સાવરકુંડલા નામનું ગામ છે ત્યાં પિપલેશ્વર મહાદેવનાં મંદિરનાં પુજારી રાત્રે સુતા હોય ત્યારે એની પડખે અને ખુબ જ લાડથી ચિત્તાઓ આવીને સાથે સુવે છે, ત્યાંના વાઈલ્ડ લાઈફ ના સરકારી અધિકારી એ સીસીટીવી કેમેરા ગોઠવીને વિડિયો રેકોર્ડ‌ કર્યો છે.” આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ઘરમાં ત્રણ ચિત્તા સુઈ રહ્યા છે, અને પાસે જ એક વ્યક્તિ પણ સૂતો જોવા મળે છે.

આ ત્રણ ચિત્તમાંથી એક ચિત્તો ઉભો થાય છે અને તે વ્યક્તિ પાસે આવે છે ત્યારબાદ તે વ્યક્તિ આ ચિત્તાને પોતાની બાથમાં લઈને સુવડાવી દે છે, તેમજ ખુબ જ પ્રેમથી તેના ઉપર હાથ પણ ફેરવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થયો હતો અને સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો સાવરકુંડલાના પીળેશ્વર મહાદેવનો છે અને અંદર જોવા મળી રહેલ વ્યક્તિ મંદિરના પૂજારી છે.

પરંતુ આ વાયરલ વીડિયોની હકીકત કંઈક અલગ જ છે. જેને જાણીને તમે પણ હેરાન રહી જશો, વાયરલ થઇ રહેલો આ વીડિયો સાવરકુંડલાના પીળેશ્વર મંદિરનો નથી અને ના તો આ વીડિયો ભારતમાં આવેલી કોઈ જગ્યાનો છે. આ વીડિયો ભારત બહાર અન્ય દેશ એટલે કે સાઉથ આફ્રિકાનો છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલ વ્યક્તિ વન્યજીવન માટે કામ કરતા ડોલ્ફ સી વોલ્કર છે. તેમને એક વર્ષ સુધી માદા ચિત્તા સાથે રહેવાનો અનુભવ કર્યો હતો. આ સમય દરમિયાન વોલ્કરને જાણવા મળ્યું કે તે કોઈપણ ચિત્તાની જેમ તેમની સાથે આરામદાયક છે. વોલ્કરે 2014ના ઉનાળાથી 2015ના ઉનાળાનો સમય આ ચિત્તાઓ સાથે વિતાવ્યો હતો.

વોલ્કરે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા વિડિયોના વર્ણનમાં વધુ વિગત આપવામાં આવી છે. વર્ણનનો મુખ્ય ભાગ છે – તમામ માદા ચિત્તાઓ દક્ષિણ આફ્રિકામાં ચિતા સંવર્ધન કેન્દ્રમાં જન્મે છે. તેઓ એક સંવર્ધન કાર્યક્રમ માટે ઉછેરવામાં આવ્યા છે, તેથી તેઓ સંપૂર્ણપણે કાબૂમાં છે. જેથી તેમનું યોગ્ય રીતે નિરીક્ષણ કરી શકાય. ભવિષ્યમાં, આમાંથી એક માદા ચિત્તાને જંગલમાં છોડવામાં આવશે.

Kashyap Kumbhani