આજે પેટ્રોલના વધતા ભાવ લોકોના માથાનો દુખાવો બની ગયો છે. સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય સ્થળો ઉપર પણ લોકો પેટ્રોલના વધતા ભાવ વિશે જ વાતો કરે છે. એવામાં ઘણા લોકો ફની વીડિયો બનાવીને પણ પોસ્ટ કરે છે, પરંતુ આ દરમિયાન એક વ્યક્તિનો જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
મધ્યપ્રદેશમાં આવેલા બૈતૂલમાં એક દેશી ઈજનેર દ્વારા એક અનોખો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે. ઉષાકાન્ત નામના આ વ્યક્તિએ જુગાડ દ્વારા પોતાની 18 વર્ષ જૂની બાઇકને ઇલેક્ટ્રિક બાઇકમાં બદલી નાખી છે જે પ્રદુષણ રહિત છે અને પેટ્રોલ વિના જ ચાલે છે.
ઉષાકાન્ત બૈતુલ વીજળી વિભાગની અંદર લાઈનમેન છે. ઉષાકાન્તનું કહેવું છે કે મારી પાસે 18 વર્ષ જૂની બાઈક હતી, તેને ઇલેક્ટ્રિક બનાવી છે. તેની અંદર 12 વોટની 4 બેટરી લગાવી છે. સાથે જ એક મોટર લગાવી છે જેનાથી બાઈક ચાલી રહી છે.
આ બાઈક 6 કલાકની અંદર જ ચાર્જ થઇ જાય છે. જેમાં એક યુનિટ વીજળીનો ખર્ચ આવે છે. જેનાથી તે એક જ વારમાં 35 કિલોમીટર સુધી ચાલે છે. ઉષાકાન્ત આ બાઈક દ્વારા જ પોતાના ઘરેથી ઓફિસે જાય છે, તેમની સાથે તેમનો એક મિત્ર દયારામ પણ જાય છે, જે તેમની સાથે જ વીજળી વિભાગમાં કામ કરે છે.
દયારામનું કહેવું છે કે આજની મોંઘવારીના સમયમાં નવી બાઈક ખરીદવી ખુબ જ મુશ્કેલી ભર્યું છે. નવી બાઈક માટે 90 હજારથી 1 લાખ રૂપિયા ખર્ચવા પડે છે ત્યારે ઉષાકાન્તે પોતાની જૂની બાઇકને જ ઇલેક્ટ્રિક બનાવી લીધી છે.
ઉષાકાન્તનું કહેવું છે કે જો તેઓ તેમની જૂની બાઇકને કબાડીમાં વેચી દેતા તો તેમને બહુ જ ઓછા પૈસા મળતા. બાઈક જૂની હોવાના કારણે રજીસ્ટ્રેશન પણ પૂર્ણ થઇ ગયું હતું. જેના કારણે બાઇકમાં 28 હજાર રૂપિયાનો ખર્ચ કરી તેને ઇલેક્ટ્રિક બનાવી દીધી. પહેલા પેટ્રોલની બાઇકમાં રોજના તેમને 80થી 100 રૂપિયાનો ખર્ચ આવતો હતો હવે તેમને મહિને બેથી અઢી હજારની બચત થઇ રહી છે.