ગદર-2 જોવા ગયેલા વ્યક્તિનું મોલમાં અચાનક થયુ મોત, CCTVમાં કેદ થયો દર્દનાક મંજર
રાજ્ય અને દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક યુવક સની દેઓલની ‘ગદર 2’ જોવા ગયો અને ત્યારે તેનું મોત થઈ ગયું.
આ દ્રશ્ય CCTV માં પણ કેદ થઇ ગયું હતુ, જેને જોઈને લોકો થોડીવાર માટે તો આઘાતમાં સરી પડ્યા હતા. આ મામલો 26 ઓગસ્ટ શનિવારની સાંજનો છે. યુવક ફિલ્મ જોવા માટે એક મોલમાં ગયો હતો અને સીડી ચડતી વખતે તે અચાનક પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું.
યુવકના મોતને પગલે સમગ્ર મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર યુવકના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. યુવકનું નામ અક્ષત તિવારી હતુ અને તે લખીમપુર ખીરીના મહોલ્લા દ્વારિકાપુરાનો રહેવાસી હતો. અક્ષત દવાનો વ્યવસાય કરતો હતો અને તેનો પોતાનો મેડિકલ સ્ટોર પણ છે.
અક્ષતના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. આ મામલે જિલ્લાના એડિશનલ એસપીએ જણાવ્યું કે યુવક ફિલ્મ જોવા ગયો હતો. ત્યાં તેનું મોત થયું. હાલ તપાસ કરવામાં આવી રહી છે.