ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત ચિંતા વધારી રહ્યા છે. મોટા લોકોની સાથે સાથે કિશોરો અને યુવાઓને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે. ત્યારે હાલમાં મહીસાગર જિલ્લામાંથી એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. લુણાવાડા તાલુકા પંચાયત કચેરીમાં તલાટી ક્રમમંત્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ કટારાનું મોત થતા શોકનો માહોલ છવાય છે.
ઉલ્લેખનીય છે કે, હાર્ટ એટેકને પગલે લોકોમાં ડરનો માહોલ ફરી વળ્યો છે. માતા-પિતાને પણ હવે તેમના સંતાનોની ચિંતા સતાવી રહી છે. જણાવી દઇએ કે, હજુ તો બે દિવસ પહેલા જ જામનગર જિલ્લા કલેકટર બી.એ શાહને માઇનર હાર્ટ એટેક આવતા તેમની તબિયત બગડી હતી. જો કે, તેમને તાત્કાલિક જી.જી.હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ તો તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યુ છે.
જણાવી દઇએ કે, ગુજરાતમાં વધી રહેલ હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક બાબત છે. રીપોર્ટ્સ અનુસાર, રાજ્યમાં લગભગ દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. એવું કહી શકાય કે હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક છે.
મોટાભાગના લોકો હાર્ટ એટેક આવતા પહેલાના લક્ષણો (Heart attack symptoms) પર ધ્યાન નથી આપતા. ત્યારે આજે અમે તમને એવા જ કેટલાક લક્ષણો જણાવીશું. સર્ક્યુલેશન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના 1 મહિના પહેલા તેના લક્ષણો દેખાવા લાગે છે.
આ સંશોધનમાં 500થી વધુ મહિલાઓ સામેલ હતી જેઓ હાર્ટ એટેકથી બચી ગઈ હતી. એકંદરે 95 ટકા સહભાગીઓએ જણાવ્યું હતું કે તેઓએ તેમના હાર્ટ એટેકના એક મહિના પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોયા હતા.
જ્યારે 71 ટકા લોકોએ થાકને એક સામાન્ય લક્ષણ તરીકે નોંધ્યું હતું, જ્યારે 48 ટકાએ જણાવ્યું હતું કે તેઓ ઊંઘની સમસ્યા અનુભવે છે. કેટલીક સ્ત્રીઓએ છાતીમાં દુખાવો, દબાણ, દુખાવો અથવા છાતીમાં જકડાઈ જવાની પણ જાણ કરી હતી.
વાત કરીએ હાર્ટ એટેકના લક્ષણોની તો તેમાં થાક, ઊંઘની સમસ્યાઓ, અપચો, ચિંતા કરવી, હૃદયના ધબકારા, હાથની નબળાઇ / ભાર, વિચાર અથવા મેમરીમાં ફેરફાર, દ્રષ્ટિ પરિવર્તન, ભૂખ ન લાગવી, હાથ અને પગમાં કળતર, રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી બાબતો છે.
આ ઉપરાંત હાર્ટ એટેકની સામાન્ય બાબત પર નજર કરીએ તો મોટાપો, ડાયાબિટીસ, વધુ પડતો કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, ધૂમ્રપાન અને અતિશય દારૂનું સેવન, વધારે પડતો ચરબીયુક્ત આહાર પણ સામેલ છે.
તમારા હાર્ટને સુરક્ષિત રાખવા માટે, સ્વસ્થ, સંતુલિત આહાર લો અને તમારા પ્રોસેસ્ડ, ખાંડવાળા ખોરાકનું સેવન મર્યાદિત કરો. નિયમિતપણે વ્યાયામ કરો, તંદુરસ્ત વજન જાળવો, તમારા બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરો. જો તમે મદ્યપાન અથવા ધૂમ્રપાન કરતા હો, તો તેને ધીમે ધીમે છોડો અથવા તેને ઓછું કરો.
જો તમને હાર્ટ એટેકના લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબી સારવાર માટે તમારી નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો. તેમજ જો કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થાય,
તો શરીરમાં લોહીનો પ્રવાહ જાળવવા અથવા પુનઃસ્થાપિત કરવા માટે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) શરૂ કરો. નિષ્ણાતો કહે છે કે જો CPR કાર્ડિયાક અરેસ્ટની શરૂઆતની થોડી મિનિટોમાં કરવામાં આવે તો તે વ્યક્તિના બચવાની શક્યતા બમણી કરી શકે છે.