ગુજરાતમાં આવેલી આ જગ્યા આખી જ કુદરતના ખોળે સમાયેલી છે, સ્વર્ગ જેવી જગ્યાએ વેકેશનમાં જઈ આવો

Mahal Eco Tourism Campsite : ગુજરાતીઓ ખાણીપીણીની સાથે સાથે ફરવાના પણ ખુબ જ શોખીન હોય છે. એક બે રજાઓ મળવાની સાથે જ ગુજરાતીઓના ફરવાના પ્લાન નક્કી જ હોય છે. પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે ફરવા જવું હોય છે પરંતુ ક્યાં જવું તે નક્કી નથી થઇ શકતું. સાથે જ લોકો પોતાના બજેટ અનુસાર ફરવાનું પ્લાનિંગ કરતા હોય છે.

ત્યારે આજે અમે તમને એક એવા પ્રકૃતિથી ઘેરાયેલા સ્થળ વિશે જણાવવાના છીએ, જે તમારા બજેટમાં પણ રહેશે અને આ સ્થળ પર તમને વારંવાર જવાનું મન થશે. આ સ્થળનું નામ છે મહાલ કેમ્પસાઇટ. જે ડાંગ જિલ્લામાં આવેલું એક રમણીય સ્થળ છે. સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ડાંગ જિલ્લાનું નામ સાંભળતા મન પ્રફુલ્લિત થઇ ઉઠે.

લીલીછમ જંગલોની હરિયાળી, સર્પાકાર ઢોળાવવાળા રસ્તાઓ, નજીકથી ગાડી ૫સાર થાય ત્યારે હદયના ઘબકારા વઘી જાય તેવી રોદ્ર અને રમ્ય અહેસાસ કરાવતી ખીણો, ખળખળ વહેતા સફેદ દુગ્ધધારા જેવા ઝરણાઓ તથા જળધોધ, આસમાન સાથે વાતો કરતા ઊંચા ઊંચા ડુંગરાઓનું દ્રશ્ય મનને હંમેશા આકર્ષતું રહે છે.

ત્યારે મહાલ કેમ્પસાઇટ પણ ડાંગ જિલ્લામાં આવેલું એવું જ એક રમણીય સ્થળ છે. જ્યાં પ્રવાસીઓ માટે 2-3 દિવસની રજાઓ વિતાવવા માટેની એક સુંદર જગ્યા છે. આ કેમ્પસાઇટમાં ટ્રી હાઉસ, કેમ્પ ફાયર, રહેવા માટે ઝૂંપડીઓ ઉપલબ્ધ છે, જેનું સંચાલન વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. મહાલ કેમ્પસાઈટ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી 24 કિમી દૂર આવેલા મહાલ ગામ ખાતે આવેલ છે.

મહાલ ગામથી 1.5 કિ.મી. આ જંગલ વિસ્તારને વન વિભાગ દ્વારા પ્રાણીઓની સુરક્ષા માટે સંરક્ષિત જંગલ જાહેર કરવામાં આવ્યું છે. આ જગ્યાએ શ્રેષ્ઠ વૉકિંગ અને ટ્રેકિંગ વિકલ્પો આપવામાં આવ્યા છે. આ જગ્યા પૂર્ણા અને ગીરા નદીઓથી સજ્જ વિશાળ અને સમૃદ્ધ જંગલથી ઘેરાયેલી છે. વળી આ જગ્યા ગિરમાર ધોધની નજીક હોવાના કારણે આકર્ષક દૃશ્ય પ્રદાન કરે છે. કેમ્પ સાઇટની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે.

ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ જયારે પહેલો વરસાદ પડે છે ત્યારથી જ અહીંયા પ્રવાસીઓની ભીડ પણ ભેગી થવા લાગે છે. વળી ખાસ વાત તો એ છે કે અહીંયા મોબાઈલના નેટવર્ક પણ બહુ ઓછા આવે છે જેના કારણે પ્રવાસીઓ મોબાઈલની ચિંતા કર્યા વગર કે સોશિયલ મીડિયામાં સમય પસાર કર્યા વગર મુક્ત મને ફરી શકે છે.

માનસિક રીતે થાક અનુભવતા હોય કે કામના પ્રેશરના કારણે કંટાળી ગયા હોય તો તમારા પરિવાર સાથે આ જગ્યાની મુલાકાત લેવી એ ખુબ જ ખાસ બની રહેશે. અહીંયા રાત્રી રોકાણ માટે અલગ અલગ વિકલ્પોની સાથે સાથે ત્યાંની કેન્ટીનમાં તમને સ્વાદિષ્ટ ડાંગી ભોજન, ચા, નાસ્તો વિગેરે મળી જશે. આ જગ્યાએ સૌથી નજીકનું રેલવે સ્ટેશન સુરતથી. સુરતથી આ જગ્યા 122 કિમિ છે. તો અમદાવાદથી 363 કિમિ છે.

Niraj Patel