પંજાબના લુધિયાણામાં ATM કેશ કંપની CMSમાં થયેલી 8.49 કરોડની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. લૂંટમાં સંડોવાયેલા લૂંટારુઓની ધરપકડ કરીને 5 કરોડની રિકવરી કરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે સીએમએસ કંપનીના કર્મચારી સાથે મળીને એક મહિલાએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં કુલ 10 લોકો સામેલ હતા. જોકે તેની માસ્ટરમાઈન્ડ ‘ડાકુ હસીના’ મનદીપ કૌરની ધરપકડ થઈ શકી નથી. તેની સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યુ છે.
આ લૂંટમાં મનદીપ કૌરની સાથે તેનો પતિ અને ભાઈ પણ સામેલ હતા.આ ઘટનાના 2 માસ્ટરમાઇન્ડ છે. પ્રથમ મનદીપ કૌર અને બીજું મનજિંદર મની. મની 4 વર્ષથી આ જ કંપનીમાં કર્મચારી છે. તેઓએ વધુ 8 આરોપીઓને ધનવાન બનાવવાના સપના જોવડાવ્યા અને ગુનો આચર્યો. લૂંટ માટે બે મોડ્યુલ બનાવવામાં આવ્યા હતા. મની CMS કંપનીમાં કામ કરતો હતો, તેથી તેને ત્યાંની દરેક બાબતની જાણ હતી.
તેને ખબર હતી કે રોકડ કઈ હાલતમાં રાખવામાં આવી છે. તેણે મનદીપ કૌર સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. જાન્યુઆરી મહિનાથી પ્લાનિંગ ચાલી રહ્યું હતું. મનીને ખબર હતી કે શનિવાર અને રવિવારે એટીએમમાં કેશ મૂકવામાં આવતી નથી. એટલા માટે કંપની પાસે શુક્રવારે વધુ રોકડ હોય છે. આ કારણોસર લૂંટ માટે શુક્રવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.આ 10 આરોપીઓમાંથી કોઈએ મોબાઈલનો ઉપયોગ કર્યો ન હતો.
આ કારણોસર લોકેશન દ્વારા તેમને શોધી શકાયા નહોતા. લૂંટના માસ્ટર માઈન્ડ મનદીપ કૌરના ભાઈએ ઈન્સ્ટાગ્રામ પર નોટોની રીલ પોસ્ટ કરી હતી. જેમાં 500-500 રૂપિયાની નવી નોટોના બંડલ કારના ડેશબોર્ડ પર રાખવામાં આવ્યા છે. આનાથી પોલીસને ગુના અંગે શંકા ગઈ હતી. લૂંટારાઓએ જે કેશ વાનમાં લૂંટ ચલાવી તેના વિશે માત્ર નિષ્ણાત કે માત્ર ડ્રાઈવર જ જાણે છે. જેના કારણે કંપનીના કર્મચારી પર શંકા ગઈ.
બનાવના દિવસે પણ મની વાહન ચલાવતો હતો. કંપની દ્વારા જણાવવામાં આવેલી લૂંટની રકમ અને લૂંટારાઓની કબૂલાત બાદની રકમમાં તફાવત જોવા મળ્યો. લૂંટારુઓએ કહ્યું કે 3-3 કરોડ 2 બેગમાં અને ત્રીજામાં ડીવીઆર લીધા હતા. પરંતુ, કંપનીએ પહેલા 7 કરોડ જાહેર કર્યા અને પછી તેને વધારીને 8.49 કરોડ કરી દીધા. પોલીસે કહ્યુ હતુ કે જ્યારે તમામ લૂંટારુઓ પકડાઈ જશે ત્યારે સમગ્ર રકમનો ખુલાસો થઈ જશે. મંજિંદર રાતોરાત અમીર બનવા માંગતો હતો.
એટલા માટે તેણે મનદીપ કૌર સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો. અન્ય આરોપીઓનો હજુ સુધી કોઈ ગુનાહિત ઈતિહાસ મળ્યો નથી.ડાકુ હસીનાના ગામના લોકો કહે છે કે તેની માતા મહેનતુ મહિલા છે. જણાવી દઈએ કે 10 જૂને લુધિયાણાના ન્યૂ રાજગુરુ નગર વિસ્તારમાં સ્થિત CMS સિક્યોરિટીઝની ઓફિસમાં કેટલાક સશસ્ત્ર લૂંટારાઓએ સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો અને 8.49 કરોડ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે.