બિલ્ડર બાપે 17 વર્ષના દીકરાને અપાવી 3 કરોડની લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કાર, દીકરાએ એજ કારથી રોડ પર 2 માસુમ લોકોને કચડી નાખ્યા..

Pune Road Accident for Minor Boy : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે, મોટાભાગના અકસ્માતમાં માનવ બેદરકારી અને બેફિકરાઈ ભરેલું ડ્રાઈવિંગ હોય છે. ખાસ કરીને નાની ઉંમરના બાળકો પણ વાહન લઈને રોડ પર નીકળી જાય છે અને અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક 17 વર્ષના સગીરે પોતાની કારથી બે લોકોને કચડી નાખ્યા.

મહારાષ્ટ્રના પુણેમાં શનિવાર, 18 મેની રાત્રે કલ્યાણી નગર વિસ્તારમાં એક ઝડપી પોર્શ કારે બાઇકને જોરથી ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઇક સવાર કેટલાક મીટર સુધી ઘસડાઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઇક પર સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જો કે મેજિસ્ટ્રેટે 14 કલાકમાં આરોપીને જામીન આપ્યા હતા.

 

પુણે સિટી ડીસીપી વિજય કુમારના જણાવ્યા અનુસાર, સગીર આરોપી વેદાંત અગ્રવાલ વિરુદ્ધ IPC 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એટલે કે બેદરકારીના કારણે મૃત્યુ થયું છે. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને શંકા છે કે આરોપી દારૂ પીને ગાડી ચલાવતો હતો. આ માટે આરોપીનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ ટેસ્ટનો રિપોર્ટ આવે તે પહેલા જ કોર્ટે તેને જામીન આપી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લા અદાલતને વેદાંત દ્વારા કરવામાં આવેલો ગુનો ગંભીર જણાયો ન હતો, તેથી વેદાંતને જામીન મળી ગયા હતા.

પુણે પોલીસે મૃતકોની ઓળખ અનીસ અવડિયા અને અશ્વિની કોસ્ટા તરીકે કરી છે. બંને રાજસ્થાનના રહેવાસી છે. બંને આઈટી એન્જિનિયર હતા. કલ્યાણી નગર વિસ્તારમાં પાછળથી એક લક્ઝરી પોર્શ કારે મોટરસાઇકલને ટક્કર મારતાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. બંનેને ટક્કર માર્યા બાદ કાર રસ્તાની બાજુમાં ફૂટપાથની રેલિંગ સાથે અથડાઈ હતી. જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.


Niraj Patel