ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતી યુવતી પ્રેમીને મળવા નેપાળથી ગોંડલ આવી ગઈ, ન થવાનું થઇ બેઠું

Lover Escapes By Leaving Nepali Girlfriend : કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કોને ક્યાં અને ક્યારે થાય તેની ખબર જ નથી રહેતી. પ્રેમમાં તો લોકો નાત-જાત ઉંમર કે કંઇ જોતા જ નથી. ઘણીવાર પ્રેમના ચક્કરમાં સારી સારી યુવતિઓ પણ પોતાની સાનભાન ખોઇ બેસે છે. ત્યારે હાલમાં આવું જ નેપાળમાં રહેતી યુવતી સાથે થયું. નેપાળની યુવતિ ગોંડલના ગોમટામાં રહેતા યુવક સાથે સંપર્કમાં આવ્યા બાદ તેને મળવા દોડી આવી.

File Pic

આ યુવતિ નર્સિંગનો અભ્યાસ કરે છે અને ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતી યુવતી પ્રેમીને મળવા નેપાળથી ગોંડલ આવી ત્યારે પ્રેમીએ તેને સાચવવાને બદલે પોત પ્રકાશ્યું. આ યુવક ગોંડલના બસસ્ટેન્ડ પર જ બે દિવસથી યુવતિને એકલી મૂકીને ફરાર થઇ ગયો હતો. આ વાતની જાણ જ્યારે સખી વનસ્ટોપ સેન્ટરને થઇ તો તેઓ દ્વારા યુવતીને સેન્ટર પર લાવવામાં આવી અને તેનુ કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ. જે બાદ તેના માતા-પિતાને જાણ કરવામાં આવી અને પરિવાર સાથે તેનું મિલન કરવામાં આવ્યું.

નેપાળી યુવતીનું મહિલા હેલ્પલાઈન અભયમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ ત્યારે તેમને જાણવા મળ્યું કે તે નેપાળની વતની છે અને તેનો પ્રેમી ગોંડલ રેલવેમા નોકરી કરે છે. જો કે, યુવતિ નેપાળથી પ્રેમીને મળવા માટે માતા-પિતાને જાણ કર્યા વગર ગોંડલ આવી ગઇ હતી, પણ પ્રેમી તેને છોડી ફરાર થઇ ગયો હતો. જો કે, આમ છતાં પણ યુવતી પોતાના નિર્ણય પર અડગ હતી. પણ બાદમાં તેને માતા-પિતાના વહાલ અને પ્રેમીના તરકટ વચ્ચેનો તફાવત સમજાયો.

યુવતિ નર્સિંગનો અભ્યાસ કરી રહી હોવાને કારણે તેને અભ્યાસમાં ધ્યાન આપવા સમજાવવામાં આવી. સેન્ટરના કર્મચારી દ્વારા તેના માતા-પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી અને તેના માતા-પિતાએ થોડા સમય પછી લઈ જવાની તૈયારી દર્શાવી. જે બાદ વિશ્રાંતિબેન પુનાણીએ આ મામલો જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેને જણાવ્યો. તેમણે રાજકોટ ખાતે નારી સંરક્ષણ ગૃહમાં યુવતિને આશ્રય આપતા યુવતીનું તેના પરિવાર સાથે પુન:મિલન થયુ હતું.

Shah Jina