લીમડી હાઇવે ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માત, અમદાવાદના દાદા-દાદી સાથે 6 વર્ષની માસુમ પૌત્રીનું પણ થયું મોત, હૃદય કંપાવનારી ઘટના

રાજ્યભરમાં ઠેર ઠેર અકસ્માતના બનાવોમાં સતત વધારો થવા લાગ્યો છે, ઘણા લોકો આવા ગમખ્વાર અકસ્માતનો ભોગ બની અને પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, ઘણા લોકોની વાહન ચલાવવા દરમિયાનની ભૂલ કોઈ માસુમનો જીવ પણ લઇ લે છે, હાલ એવા જ એક અકસ્માતના સમાચાર લીમડી હાઇવે પરથી આવ્યા છે, જેમાં એક દાદા-દાદી સહીત 6 વર્ષની માસુમ દીકરીનું પણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે ટ્રક સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું નિધન થયું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલાક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

લીમડી હાઇવે ઉપર સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની અંદર અમદાવાદના ઉદયન મહેનત પુરા આંબાવાડી છાપરામાં રહેતા બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બઘાભાઈ મુછડીયા તેમના પત્ની હિરાબેન મુછડીયા અને 6 વર્ષની પૌત્રી ક્રેયાંશી વિજયભાઈ મુછડીયા દિવાળીના તહેવારમાં રાજકોટ ગયા હતા.

તેઓ તા. 13ની સાંજે રાજકોટથી અમદાવાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ લીંબડી હાઇવે ઉપર જનસાળી પાસે રોડનું કામકાજ ચાલતું હોવાના કારણે આપેલા ડાયવરઝનમાં રોન્ગ સાઈડ આવી રહેલી ટ્રકે તેમની કારને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં પરિવારના ત્રણ સભ્યોની જિંદગી ભૂંજાઈ ગઈ હતી.

અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રી ક્રેયાંશીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બકુલભાઈનાં પત્નિ હિરાબેનને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં નિધન થયું હતું. લીંબડી 108 હેલ્પલાઈનના પાયલોટ દેવરાજસિંહ વાઘેલા અને ઈએમટી અમૃત ભાસ્કરે ઘટનાસ્થળે પહોંચી ઘાયલ હિરાબેનને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

Niraj Patel