સંસ્કારી નગરી વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં ઇ-સિગારેટના કસ સાથે ગરબે ઘૂમતી યુવતી સામે ફરિયાદ દાખલ કરવા માંગ

ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રીની ધૂમ મચેલી છે અને તેમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ પણ ગરબાના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગઇકાલના રોજ સંસ્કારી નગરી વડોદરામાંથી એક ચકચારી કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબામાં યુવતીનો ઇ સિગારેટના કસ સાથે ધુમાડા કાઢતો વીડિયો સામે આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ગરબા રમતી વખતે ઇ-સિગારેટથી ધુમ્રપાન કર્યુ છે.

ગરબા રમતી વખતે યુવતીના ધુમાડા કાઢતો વીડિયો સામે આવતા આયોજકો અને યુવતી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.વીડિયોમાં જોવા મળ્યુ હતુ કે, યુવતિ ચાલુ ગરબાએ સિગારેટના ધુમાડા કાઢી રહી હતી. તેની પાછળ રહેલા એક યુવકના હાથમાં ઇ-સિગારેટ પણ જોવા મળી. માતાજીની ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રિ પર્વમાં માતાજીના ચાચરચોકમાં ઈ-સિગારેટના ધુમાડા કાઢતી યુવતીના વીડિયોએ શહેરના નાગરિકોની ધાર્મિક ભાવનાને પણ ચર્ચાની એરણે મૂકી છે.

ત્યારે હવે ધુમ્રપાન કરતી યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ યુવતી સામે પોલીસ કેસ દાખલ કરવા માટે ભાવિન વ્યાસ નામના વકીલે શહેર પોલીસ કમિશનરને અરજી આપી છે. ભાવિન વ્યાસે વડોદરા પોલીસ કમિશનરને અરજી આપી કે, યુવતી સામે જાહેરમાં ધ્રુમ્રપાન તેમજ ધાર્મિક લાગણી દુભાવવા મુદ્દે એફઆઇઆર દાખલ થવી જોઇએ. જો 2-3 દિવસમાં પોલીસ ફરિયાદ દાખલ નહીં થાય તો કોર્ટ મારફતે આ મામલે ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

આ મામલે વડોદરા પોલીસ કમિશનરનું કહેવુ છે કે, આવો વીડિયો વાયરલ થયો હોય તો ખોટું છે. સાદા વેશમાં ફરતી શી ટીમને સૂચના આપવામાં આવશે. તેઓ રોમિયો સાથે સાથે હવે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે. આ ઉપરાંત યુનાઇટેડ વેના આયોજક હેમંત શાહે જણાવ્યું કે તેઓ સિક્યોરિટીને સૂચના આપશે અને આવા લોકોને ગ્રાઉન્ડમાંથી શોધીને બહાર કાઢશે. જો આવા લોકો મળશે તો તેમની સાથે કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina