ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરની હાલમાં આવેલી ફિલ્મ “લગન સ્પેશિયલ”માં શું છે ખાસ ? શા કારણે જોવી જોઈએ ફિલ્મ, જુઓ સચોટ ફિલ્મ રીવ્યુ

વેલેન્ટાઈન વીકમાં થિયેટરમાં આવેલી મલ્હાર ઠાકર અને પૂજા જોશીની ફિલ્મ “લગન સ્પેશિયલ” શું બોક્સ ઓફિસ પર પણ સ્પેશિયલ બની જશો ? જુઓ ફિલ્મ રીવ્યુ

“છેલ્લો દિવસ” ફિલ્મ બાદ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે ઉભરી આવેલા અભિનેતા મલ્હાર ઠાકર એક પછી એક ધમાકેદાર ફિલ્મો આપતા રહે છે અને તેની ફિલ્મો તેમજ અભિનય દર્શકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે. મલ્હારનો મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ સફળ સાબિત થતી હોય છે. ત્યારે હાલમાં જ મલ્હાર ઠાકરની ફિલ્મ “લગન સ્પેશિયલ” રીલિઝ થઇ છે. તો આ ફિલ્મ કેવી છે ? અને ફિલ્મ જોવા માટે દર્શકોએ શા કારણે જવું જોઈએ તેનો સચોટ રીવ્યુ આજે અમે તમને જણાવીશું.

પારિવારિક મનોજરંન :

“લગન સ્પેશિયલ” એક પારિવારિક ફિલ્મ છે. ફિલ્મની કહાની પરિવારને એક તાંતણે કેવી રીતે ગૂંથીને રાખવો તેની સરસ વાત સમજાવી જાય છે. સાથે સાથે હાસ્યના ફુવારા સમગ્ર ફિલ્મ દરમિયાન તમને ઉડતા જોવા મળશે. ફિલ્મની શરૂઆત લગ્નથી થાય છે અને અંત પણ લગ્નથી જ આવે છે. પરંતુ લગ્ન પ્રસંગ દરમિયાન આવતા એક પછી એક ટ્વિસ્ટ ખુબ જ મજેદાર છે.

ફિલ્મને અનુરૂપ પાત્રો :

“લગન સ્પેશિયલ” ફિલ્મમાં તમને ઘણા બધા કલાકરો જોવા મળી જશે. પરંતુ મુખ્ય પાત્ર તરીકે મલ્હાર ઠાકર શેખરના પાત્રમાં, પૂજા જોશી સુમનના પાત્રમાં અને મિત્ર ગઢવી જોગીના પાત્રમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં રાગી જાની, કલ્પના ગાગડેકર, નીજલ મોદી, આર્ચવ ત્રિવેદી, રૂપા મહેતા, વૈભવી ભટ્ટ, ફિરોજ ઈરાની, રાહુલ રાવલ જેવા ઘણા પાત્રો તમને જોવા મળશે અને આ તમામ પાત્રો ફિલ્મની વાર્તાને બહુ જ સુંદર રીતે ગૂંથતા જોવા મળશે. ખાસ કરીને રાગી જાની જે શેખરના પપ્પા બતાવ્યા છે તેમની કોમેડી તમને ખુબ જ હસાવશે.

એક અનોખી વાર્તા :

“લગન સ્પેશિયલ” ફિલ્મની વાર્તા લગ્ન પર આધારિત છે. જ્યાં શેખર અને સુમનના લગ્ન થવાના હોય છે, શરૂઆત લગ્ન સ્થળ પરથી જ થાય છે અને ફિલ્મનો અંત પણ ત્યાં જ આવે છે. આખી કહાની એક જ જગ્યા પર ઘડાય છે. શેખર લગ્ન માટે ખુબ જ ઉત્સાહિત હોય છે અને તેની ઈચ્છા પ્રમાણે તે તમામ વસ્તુઓ કરવા માગે છે, જેમાં રાઇફલ લેવાની હોય, જાનૈયાઓ માટે ઘોડીઓ લેવાની હોય કે પછી ફુવારામાં મિનરલ વૉટર ભરવાનું હોય.

તો બીજી તરફ સુમન પણ આ લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે. તે એવી છોકરી હોય છે જેને જુઠ્ઠાથી સખત નફરત હોય છે. પરંતુ જયારે શેખરનો મિત્ર જોગી અમેરિકાથી એક નવી શોધ કરીને એક એવી સ્માર્ટ વૉચ લાવે છે જેમાં સાચું ખોટું ખબર પડી જાય છે અને આ સ્માર્ટવોચ પહેરીને જયારે શેખર સુમનને આઈ લવ યુ કહે છે, અને તેમાં ખોટું આવે છે.

ત્યાર બાદ આખી ફિલ્મની વાર્તા રસપ્રદ બની જાય છે. શેખર એ સાબિત કરવામાં લાગે છે કે તે ફક્ત સુમનને જ પ્રેમ કરે છે અને આ દરમિયાન બંને પરિવારો વચ્ચે થયેલું રમખાણ પણ ફિલ્મમાં એક અલગ પ્રકારનો રોમાંચ જન્માવે છે. ફિલ્મનો અંત પણ ખુબ જ ભાવુક કરી દેનારો છે. શેખર અને સુમન છેલ્લે લગ્ન કરે છે કે નહિ એ જોવા માટે તો તમારે હવે થિયેટર સુધી જવું જ પડશે.

છેક સુધી જકડી રાખે એવું દિગ્દર્શન :

આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે દિગ્દર્શક “રાહુલ ભોલે અને વિનીત કનૌજિયાએ. જેમ કોઈ લગ્ન પ્રસંગની અંદર તમામ તૈયારીઓનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, બધી જ વ્યવસ્થા એકદમ સુવસ્થિત રીતે કરવામાં આવતી હોય છે, તેમ આ ફિલ્મમાં પણ બંને દિગ્દર્શકોએ સુંદર કામ કર્યું છે. ફિલ્મ શરૂઆતથી અંત સુધી દર્શકોને જકડી રાખવામાં સફળ બને છે, ફિલ્મમાં એકપણ ક્ષણ એવી નથી આવતી જ્યાં તમને ફિલ્મ ડગમગતી હોય તેમ લાગે. તેનો શ્રેય દિગ્દર્શકને જાય છે.

ફિલ્મના ગીતો અને સંગીત :

“લગન સ્પેશિયલ” ફિલ્મમાં 2 ગીતો છે. પરંતુ ફિલ્મનું પહેલું ગીત “ઝૂલણ મોરલી” ખુબ જ મજાનું ગીત છે. ઉમેશ બારોટના સ્વરમાં ગાવામાં આવેલું આ ગીત તમને વારંવાર સાંભળવાનું અને ગીત વાગતા જ તમારા પણ પગ ઝૂમવા માટે ઉપડી જાય તેવું છે. તો આ ફિલ્મમાં સંગીત આપ્યું છે રાહુલ મંજરીયાએ. ફિલ્મનું સંગીત પણ હળવું ફૂલ કરી દેનારું છે. ફિલ્મના ગીતો હોય કે પછી બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંગીત ખુબ જ રસપ્રદ લાગે છે.

ફિલ્મનું પ્રોડક્શન, લેખન અને દૃશ્યો  :

“લગન સ્પેશિયલ” ફિલ્મને પ્રોડ્યુસ કરી છે જીગર ચૌહાણ, સંદીપ રાવલ અને મલ્હાર ઠાકરે.  તો ફિલ્મની વાર્તા લખવાનું કામ કર્યું છે સૂરજ બારાડિયાએ. આ ફિલ્મની વાર્તા મોટાભાગે જ એક જ જગ્યા પર શૂટ કરવામાં આવી છે. જેમાં શંકુ વૉટર પાર્કમાં આવેલા રિસોર્ટના જ સીન જોવા મળે છે. સાથે કયારેક મહેસાણા બસ સ્ટેન્ડ અને રસ્તા સીન પણ ફિલ્મને અનુરૂપ પ્રયોજવામાં આવ્યા છે.

Niraj Patel