લાખો ચાહકોને આંખોમાં આંસુઓ સાથે આજે કેકેની થશે અંતિમ વિદાય, મુંબઈ પહોંચી ગયો પાર્થિવ દેહ

જે જગ્યાએ સિંગર કેકેના પિતાના કરવામાં આવ્યા હતા અંતિમ સંસ્કાર એજ જગ્યા ઉપર દીકરાને પણ આપવામાં આવશે અંતિમ વિદાય, પાર્થિવ દેહ ઘરે આવતા જ ચાહકોના ટોળા ઉમટી પડ્યા

બોલિવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નથ કે જેઓ કેકે તરીકે જાણીતા છે, તેઓનું 53 વર્ષની વયે કોલકાતામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. કોલકાતામાં નઝરુલ મંચ ખાતે એક કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે ગાયક બીમાર પડી ગયા હતા. જેના બાદ તે હોટેલ પરત ફર્યો અને પડી ગયો. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેને કલકત્તા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMRI) લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. કેકેના અવસાનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું છે.

પોસ્ટમોર્ટમ બાદ કેકેનો પાર્થિવ દેહ કોલકાતાથી મુંબઈ પહોંચી ગયો છે. કેકેના અંતિમ સંસ્કાર આજે મુંબઈના વર્સોવા સ્થિત સ્મશાનગૃહમાં કરવામાં આવશે. સવારે 10:30 થી 12:30 સુધી પાર્ક પ્લાઝા વર્સોવા ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકાશે. જે બાદ એક વાગ્યે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.

કેકેની પત્ની અને બંને બાળકો મોડી રાત્રે કેકેના પાર્થિવ દેહને લઈને કોલકાતાથી મુંબઈ પહોંચી ગયા હતા. જ્યારે કેકેનો મૃતદેહ મુંબઈ પહોંચ્યો ત્યારે તેમના એપાર્ટમેન્ટની બહાર તેમના ચાહકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. કેકેના અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

ગાયક કેકેના પિતાને પણ વર્સોવા સ્મશાનગૃહમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી, તેથી પરિવારે તેમને ત્યાં જ વિદાય આપવાનું નક્કી કર્યું છે. કેકેની અંતિમ યાત્રામાં સંગીત ઉદ્યોગ અને બોલિવૂડના ઘણા મોટા દિગ્ગજ લોકો જોડાઈ શકે છે. બુધવારે જ કોલકાતામાં કેકેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેકેનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. કેકે પહેલેથી જ લીવર અને ફેફસાની સમસ્યાઓથી પીડાતા હતા કારણ કે તેમના લીવર અને ફેફસાંની સ્થિતિ બહુ સારી નહોતી.

કેકેના મૃતદેહને કોલકાતાથી મુંબઈ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે બંગાળ પોલીસે બંદૂકની સલામી સાથે કેકેને અંતિમ વિદાય આપી હતી. એર ઈન્ડિયાના વિમાન દ્વારા તેમના પાર્થિવ દેહને કોલકાતાથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. કોલકાતા પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે અને કેકેના મૃત્યુ પર ઉદ્ભવતા પ્રશ્નોના જવાબો શોધવાનું શરૂ કર્યું છે.

Niraj Patel