વલસાડ લોકડાયરામાં કિર્તીદાન ગઢવી પર થયો રૂપિયાનો વરસાદ, આખા દેશમાં વાયરલ થઇ રહ્યો છે આ સ્પેશિયલ વીડિયો

ગુજરાતના લોકપ્રિય ડાયરા કલાકાર કિર્તીદાન ગઢવી સુરસમ્રાટ તરીકે ઓળખાય છે. તેમને તો ડાયરાના કિંગ પણ કહેવામાં આવે છે. તેઓ જ્યાં પણ ડાયરો કરે ત્યાં રૂપિયાનો ઢગલો થઇ જતો હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ગુજરાતના વલસાડનો છે. આ વીડિયોમાં એક ડાયરા કાર્યક્રમ દરમિયાન કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો.

જણાવી દઇએ કે, આ કાર્યક્રમ શનિવારના રોજ રાતે વલસાડના અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો અને ડાયરો જેમ જેમ જામ્યો તેમ તેમ નોટોનો વરસાદ થવા લાગ્યો. કિર્તીદાનનો આ વીડિયો ન્યુઝ એજન્સી એએનઆઈ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, લોકોએ ગુજરાતના વલસાડમાં 11 માર્ચના રોજ એક કાર્યક્રમમાં ગાયક કીર્તિદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કર્યો.

વીડિયોમાં જોઇ શકાય છે કે લોકો કિર્તીદાન પર નોટોનો વરસાદ કરી રહ્યા છે અને વીડિયોમાં એવુ પણ દેખાઇ રહ્યુ છે કે લોકોએ નોટોનો એટલો વરસાદ કર્યો છે કે જાણે સમગ્ર સ્ટેજ પર રૂપિયાની ચાદર પથરાઈ ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. આ લોકડાયરા અંગે કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, ગાયોની સેવા માટે ભંડોળ એકત્ર કરવા માટે આનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઘણી એવી ગાયો છે, જે બીમાર છે અને ચાલી નથી શકતી અને તેમની સેવા માટે આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ,

આ ડાયરામાં જે પણ રૂપિયા એકત્ર થયા છે તેને ગૌ માતાની સેવામાં વાપરવામાં આવશે. જે વીડિયો એએનઆઇ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે તેમાં જોઇ શકાય છે કે કીર્તિદાન હારમોનિયમ સાથે ભજન ગાઈ રહ્યા છે અને લોકો તેમના પર 10,20,50 અને 100 રૂપિયાની નોટ ઉડાવી રહ્યા છે. લોકો એટલી નોટો ઉડાવે છે કે આખો સ્ટેજ જ નોટોથી ઢંકાય જાય છે. જો કે, કિર્તીદાનના ડાયરામાં આવી રીતે રૂપિયાનો ઢગલો થવો એ પહેલીવાર નથી બન્યું.

ખાસ કરીને ગુજરાતમાં આવા ડાયરા થતાં રહે છે અને તેમાં ચલણી નોટોનો વરસાદ પણ થતો રહે છે. ઉલ્લેખનીય છે કે, અગ્નિવીર ગૌ સેવા દળ વલસાડ દ્વારા સંચાલિત “ગૌ ધામ”ના લાભાર્થે 11 માર્ચ 2023ના રોજ “પરમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુજવા પાથરી” ખાતે ભવ્ય “લોકડાયરો”નું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં મુખ્ય કલાકાર તરીકે ભજન સમ્રાટ કિર્તીદાન ગઢવી અને સુર સમ્રાગીની વનિતાબેન પટેલે ડાયરાની રમઝટ બોલાવી હતી.

Shah Jina